સુરત: સુરતના જાણીતા બિલ્ડર અને ડાયમંડ કંપની સી. મહેન્દ્રના (C Mahendra) માલિક કનુ શાહ (Kanu Shah) વિરુદ્ધ સનસનીખેજ આક્ષેપ થયા છે. આ મામલામાં સુરત (Surat) જિલ્લા કલેક્ટર (District Collector) દ્વારા કનુ શાહ વિરુદ્ધ તપાસના (Inquiry) આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાત એમ છે કે, (Surat) સુરત શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી બોગસ ખેડૂત (Fake Farmer) બનવા સહિત ગેરકાયદે રીતે ખેતી લાયક જમીન ધારણ કરવાના પરાક્રમો બહાર આવી રહ્યા છે. તેમાં સુરતના જાણીતા બિલ્ડર અને સી.મહેન્દ્ર નામની હીરાની પેઢીના માલિક કનુ શાહ સામે પણ તેમના જ ભાગીદારે કનુ શાહ ગેરકાયદે ખેડૂત બન્યા હોવાની ફરિયાદ કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ખોટી રીતે ખેડૂત બનવાના કિસ્સા વધી રહ્યા છે. જાણીતા વગદાર લોકો ખેડૂત બનવા માટે મામલતદારના બોગસ દાખલા બનાવવાથી માંડીને રેવન્યુ દફતરે બેધડક પોતાના નામો ચઢાવી રહ્યા છે. મહેસૂલી કાયદાઓને તોડી મરોડી કેટલાંક તત્વોએ સમગ્ર મહેસૂલી તંત્રને મજાકરૂપ બનાવી દીધો છે. તાજેતરમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક એ આવા કિસ્સામાં જાણીતા બિલ્ડરોની કરોડો રૂપિયાની જમીન સરકાર હસ્તક દાખલ કરી હતી. આવી જ વધુ એક ફરિયાદ સી.મહેન્દ્ર નામની જાણીતી હીરાની પેઢીના માલિક અને બિલ્ડર કનુ ચંદુલાલ શાહ સામે થઈ છે. કનુ શાહના જૂના ભાગીદાર એવા એક વ્યકિતએ કનુ શાહ ખોટી રીતે ખેડૂત બન્યા હોવાની ફરિયાદ કરી છે.
કૃષિપંચ મામલતદાર કચેરીમાં થયેલી ફરિયાદ મુજબ, કનુ ચંદુલાલ શાહ ગાંધીનગર જિલ્લાના કલોલ ગામમાં બ્લોક નંબર-898વાળી જમીન ઉપર ખેડૂત તરીકે ધારણકર્તા બની ગયા હતા. આ મામલે ફરિયાદ થતા સુરત મામલતદાર અને કૃષિપંચ (ગણોત)એ કલોલ મામલતદારને તપાસ કરવા પત્ર પાઠવ્યો છે. આ પત્ર પાઠવ્યાને પાંચ મહિના થયા પછી પણ કલોલ મામલતદાર કચેરી તરફથી કોઇ પ્રતિસાદ નહિં સાંપડતા મામલો પેચીદો બન્યો છે. કહેવાય છે કે કનુ ચંદુલાલ શાહે પેઢીનામામાં પોતાના ભાઇના વારસદારોને છુપાવી દઇ ખેડૂત બની ગયા હતા. આ રીતે ખેડૂત બની તેમને સુરત શહેરમાં ઉપરા છાપરી કરોડો રૂપિયાની જમીનો ખરીદી છે. સુરત જિલ્લા કલકેટર આ મામલે તપાસ તેજ કરાવે તો હજી પણ ઘણી હકીકતો બહાર આવે તેમ છે. આ મામલે કનુ શાહ પાસે સુરતમાં હજી ખેતીની કેટલી જગ્યા છે અને કયા કયા તાલુકાઓમાં છે તેની વધુ વિગતો આગામી દિવસોમાં બહાર આવશે.
સુરત જિલ્લા કલેકટર મોડું કરશે તો જમીન બિનખેતીમાં તબદીલ થઈ જશે
સુરત જિલ્લા કલેકટર કચેરીના મામલતદાર કૃષિપંચ અને ગણોતને આ મામલે ફરિયાદ થયા પછી પણ તપાસ મંદ ગતિએ ચાલતા દાળમાં કંઈક કાળું હોવાની આશંકા જાગી રહી છે. સુરત જિલ્લા કલકેટર આયુષ ઓક આ મામલે ઝડપી તપાસ કરાવે તે હિતાવહ છે. નહિંતર ખોટી રીતે ખેડૂત બનેલા કનુ શાહ અને તેમની સાથેના સહકબ્જેદારો જમીન બિનખેતી કરાવી જાય તેવી વકી છે.
મારા જૂના ભાગીદારે મલિન ઇરાદા સાથે ફરિયાદ કરી છે: કનુ શાહ
આ ફરિયાદ મામલે જ્યારે જાણીતા હીરા પેઢીના માલિક કનુ શાહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ સાચા જ છે. તેમના ભાગીદાર સાથે મતભેદ ઊભા થતાં તેણે ફરિયાદ કરી છે. ભાગીદારનો ઈરાદો મલિન છે.