અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લા બાદ આજે તા. 5 જૂન 2025ના રોજ રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રભુ શ્રી રામ સહ પરિવાર રામ મંદિરમાં બિરાજ્યા છે, તેમની તસવીરો સામે આવી છે. ત્યારે આ અમૂલ્ય પ્રસંગમાં સુરતનું પણ યોગદાન હોવાની ગૌરવપૂર્ણ હકીકત જાણવા મળી છે. વાત એમ છે કે સુરતના હીરાના વેપારીએ રામ દરબારમાં ભગવાનના આભુષણો અને શસ્ત્રોનું દાન કર્યું છે.
સુરતના હીરાના વેપારીએ રામમંદિરમાં સોના-ચાંદીના હીરાજડિત આભૂષણ અને ભગવાનના શસ્ત્રોની ભેટ આપી
આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે સુરતના એક હીરાના વેપારીએ પણ રામ મંદિરને સોના-ચાંદીના હીરાજડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી છે. આ આભૂષણો બનાવવાનું કામ કતારગામના એક જવેલર્સ દ્વારા કરાયું છે.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દાનમાં મળેલા ઘરેણાંમાં 1000 કેરેટનો હીરો, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો સમાવેશ થાય છે. ભગવાન રામ સહિત ચારેય ભાઈઓ માટે હાર, બુટ્ટી, તિલક, ધનુષ્ય અને તીર દાનમાં મળ્યાં છે. આ ઘરેણાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા પહોંચાડવામાં આવ્યા હતા.

રામ દરબાર રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવાયો છે. કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી, મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે. ભક્તો ક્યારે રામ દરબારના દર્શન કરી શકશે તે અંગે ટ્રસ્ટે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.