SURAT

પિતાની બાઈક લઈને 15 વર્ષનો યશ રાઉન્ડ મારવા ગયો અને ઘરે પાછો જ ન આવ્યો

સુરત: (Surat) પુણા વિસ્તારમાં રેશ્મા સર્કલ પાસે હિટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની હતી. તેમાં એક લક્ઝરી બસના ડ્રાઈવરે (Bus Driver) બેદરકારીથી બસ ચલાવીને બાઇક (Bike) સવાર 15 વર્ષના કિશોરને અડફેટે લઈ તેનું મોત નીપજાવીને નાસી ગયો હતો.

  • પુણામાં હિટ એન્ડ રન: પિતાની બાઈક લઈને 15 વર્ષનો યશ રાઉન્ડ મારવા ગયો અને લકઝરી બસે કચડી નાંખ્યો
  • કિશોર રોજ બાઇકનો એક રાઉન્ડ મારવા જતો હતો
  • ઘણો સમય વિતી જવા છતાં યશ પરત નહિં ફરતા પરિવારે તપાસ કરતાં રેશ્મા સર્કલ, સારથી હાઉટ્સ પાસે અકસ્માતમાં દીકરાંના મોત થયું હોવાનું જાણવા મળ્યું

પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના અંજાર ગામના વતની મનિષભાઈ હીરાભાઈ ટાંક હાલમાં પુણામાં સીતાનગર પાસે ચામુંડાનગરમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 15 વર્ષનો દિકરો યશ હતો. યશ પુણા ગામ પાસેની નચિકેતા સ્કુલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો. મનિષ ટાંક એમ્બ્રોઇડરીના ખાતામાં નોકરી કરે છે. મનિષ ટાંકનો દીકરો યશને રોજ પિતાની બાઈક એક રાઉન્ડ મારવા માટે લઈ જતો શનિવારે સાંજે પણ યશ તેના પિતાને જાણ કર્યા વગર બાઈક લઈને રાઉન્ડ મારવા ગયો હતો. તે ઘણા સમય સુધી પરત ન આપતા પરિવારજનોને ચિંતા થવા લાગી હતી.

પરિવારજનો તેને શોધવા પણ ગયા હતા. પરંતુ યશ મળ્યો ન હતો. દરમિયાન પરિવારજનોને જાણ થઈ કે તેમના બાઇકનું સીતાનગરથી રેશ્મા સર્કલ તરફ જતા રોડ પર સારથી હાઇટ્સ પાસે અકસ્માત થયો છે. તેથી પરિવારજનો સ્થળ પર જઈને તપાસ કરતા ત્યાં યશનું અકસ્માતમા મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. લક્ઝરી બસના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવીને યશની બાઇકને ટક્કર મારીને નીચે પાડીને તેનું મોત નિપજાવી બસ લઈને ભાગી ગયો હતો. મનિષ ટાંકે અજાણ્યા બસના ડ્રાઈવર વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મલીયાધરામાં કાર સાથેના અકસ્માતમાં બાઇક સવાર મહિલાનું મોત
ઘેજ : મલીયાધરા ગામ પાસે કાર સાથેના અકસ્માતમાં મોટસાયકલ સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘેજ વાળંદ ફળીયામાં રહેતા અને ચીખલીમાં ટેલરિંગની દુકાન ચલાવતા હિતેશ હીરાભાઈ પટેલ રવિવારે સવારે દુકાને જવા પોતાની મોટર સાયકલ નં જીજે-૧૫-સીસી-૬૪૬ લઈને નીકળ્યા હતા.

દરમ્યાન ઘેજ વાળંદ ફળીયામાં રહેતી જશુબેન ડાહ્યાભાઈ પટેલે હિતેશ પટેલને આજે બસ આવી નથી અને હું પણ ચીખલી જ જવાની છું જેથી તું મને ચીખલી સુધી બેસાડી જજે તેમ જણાવતા હિતેશ પટેલ અને જશુબેન પટેલ ચીખલી આવવા નીકળ્યા હતા. દરમ્યાન મલિયાધરા ગામ પાસે મોટર સાયકલની આગળ ચાલતી બ્રિજા વિટારા કારના ચાલકે અચાનક કાર ટર્ન લેતા મોટર સાયકલની પાછળના ભાગે ટક્કર મારી હતી. જેમાં જશુબેન પટેલ રોડ ઉપર પડી જતા ચીખલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ હિતેશ પટેલે કરતા પોલીસે બ્રિજા કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઇ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Most Popular

To Top