SURAT

સુરતના પૂણા ગામમાં કરણી ચોક પાસે બસ ડ્રાયવરે યુવકને કચડી નાંખ્યો

સુરત: (Surat) પુણાગામ વિસ્તારમાં કરણી ચોક ટ્રાફિક પોલીસ (Traffic Police) ચોકી નજીક બેફામ હંકારી રહેલા બસ ચાલકે અજાણ્યા યુવકને હડફેટે લેતા યુવકનું ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત નીપજયુ હતું. પોલીસે બસ (Bus) ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

  • બસચાલકો હજુ બેફામ, પૂણાગામ નજીક યુવકને અડફેટે લેતાં મોત
  • કરણીચોક ટ્રાફિક ચોકી નજીકની ઘટના, ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો

પોલીસ દ્રારા મળતી માહિતી મુજબ પુણાગામ નજીક એક અજાણ્યો યુવક કરણી ચોક ટ્રાફિક પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બસચાલકે બેફામ રીતે બસ હંકારી લાવી અજાણ્યા યુવકને ટક્કર મારી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. લોકોએ બસ ચાલક કાનસિંહ દેવીસિંહ મીણા (રહે. કુર્દી ગામ જિલ્લા સીકર,રાજસ્થાન)ને પકડી પાડયો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ પુણા પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયત્નો શરૂ કર્યાં છે.

ઉધનામાં BRTS રૂટમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવકનું મોત
સુરત: ઉધના-ભેસ્તાન રોડ પર બીઆરટીએસ બસના રૂટમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવકનું મોત નિપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ઉધનામાં બીઆરસી કંપનીના ગેટની સામે જ બીઆરટીએસ બસ સ્ટેશન છે. બીઆરટીએસ રૂટમાં બસ સ્ટેશન પાસે ગતરોજ એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બપોર બાદ તે યુવકની ઓળખ અશ્વીન અંબાલાલ તડવી (40 વર્ષ) તરીકે થઈ હતી. પોલીસે હાલમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અશ્વીન કોઈ બીઆરટીએસ બસ અથવા કોઈ અન્ય વાહનની અડફેટે આવવાથી ઈજાગ્રસ્ત થયો હોવાની સંભાવના જોવાઈ રહી છે.

અડાજણ મેટ્રો સ્ટેશન માટે સુરત મનપા GMRCને બે જમીનો ફાળવશે
સુરત: સુરત મનપાના રાંદેર ઝોનમાં ફાયનલ ટી.પી સ્કીમ નં. 31 (અડાજણ), ફા.પ્લોટ નં. 195 કુલ 440 ચો.મી ક્ષેત્રફળવાળી મનપા હસ્તકની મંજુર થયેલી લેન્ડયુઝ પ્લાન મુજબની જમીન માટેની માંગણી જીએમઆરસી દ્વારા કરવામાં આવી છે. જે જમીન જીએમઆરસીને જંત્રી ભાવ મુજબ ફાળવવા શાસકોની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ અધ્યક્ષ સમક્ષ મુકવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જીએમઆરસી દ્વારા અડાજણની ફાયનલ પ્લોટ નં. 195ની કુલ 440 ચો.મી જગ્યા પૈકીની 319.91 ચો.મી જગ્યા અડાજણ ગામ ખાતેના મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ માટે માંગણી કરાઈ છે. આ જમીનનો પુરેપુરો કબજો સુરત મનપા હસ્તકનો છે અને મનપાને હાલ આ જગ્યા કોઈ વપરાશમાં નથી તેમજ કોઈ ભાવિ આયોજન પણ નથી. જીએમઆરસી દ્વારા કુલ 440 ચો.મી પૈકીની 319.91 ચો.મી જગ્યાની માંગણી કરાઈ છે, પરંતુ તેમાં બચતી 120.09 ચો.મી જમીન મનપાને કોઈ ઉપયોગમાં આવે તેમ ન હોવાથી સમગ્ર જમીનનો કબજો લઈ લેવા મનપાએ જીએમઆરસીને જાણ કરી હતી. જેથી જંત્રીના ભાવે તમામ જમીનનો કબજો જીએમઆરસી લેશે. તે ઉપરાંત ફાયનલ ટી.પી સ્કીમ નં. 13 (અડાજણ), ફાયનલ પ્લોટ નં. 261 પૈકીની કુલ 588.17 ચો.મી જમીન પણ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી એક્ઝીટના હેતુ માટે જીએમઆરસીને ફાળવાશે, જે માટેની દરખાસ્ત પણ શાસકો સમક્ષ મુકવામાં આવી છે.

Most Popular

To Top