સુરત: (Surat) મોટા વરાછામાં બુધવારે બપોરે એક કાર બીઆરટીએસ સ્ટેશનના (BRTS Station) એન્ટ્રી ગેટ સાથે અથડાતાં બીઆરટીએસનો પોલ તૂટી પડ્યો હતો. તેમજ કારના બોનેટમાં આગ (Fire) લાગતાં ભય ફેલાયો હતો. દરમિયાન ફાયર વિભાગને જાણ થતાં લાશ્કરોની ટીમ દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ તુરંત કાબૂમાં લીધી હતી. એટલું જ નહીં ફાયર વિભાગની ટીમ દ્વારા બીઆરટીએસના તૂટી ગયેલા પોલને ખસેડી લેવામાં આવ્યો હતો.
સુરત ફાયર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ કોસમાડીનો રહેવાસી યુવાન મોટા વરાછા ફ્લાય ઓવર બ્રિજ પાસેથી પસાર થતો હતો. તે સમયે રસ્તા વચ્ચે અચાનક આવી ગયેલા બાઇકચાલકને બચાવવા જતાં તેણે બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર બીઆરટીએસ સ્ટેશનના એન્ટ્રી ગેટ બહારના પોલ સાથે અથડાઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે કારમાં લાગેલી આગ તુરંત કાબૂમાં લઈ લીધી હતી. એટલું જ નહીં ફાયર વિભાગની ટીમ દ્વારા બીઆરટીએસના તૂટી ગયેલા પોલને પણ ખસેડી લેવામાં આવ્યો હતો.
મોટા વરાછામાં બિલ્ડરની કારમાંથી પિતાના વેપન લાયસન્સ સહિત દસ્તાવેજોની ચોરી
સુરત: મોટા વરાછા ખાતે રહેતા બિલ્ડરની બેગ તેના કારના કાચ તોડી અજાણ્યાએ ચોરી કરી હતી. બેગમાં માતા-પિતા, પત્ની અને બાળકોના આધારકાર્ડ સહિત અગત્યના દસ્તાવેજો હતા. સાથે જ પિતાની વેપનનું લાયસન્સ હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
મોટા વરાછા ખાતે રોયલ રેસીડેન્સીમાં રહેતા 34 વર્ષીય દિપેશભાઈ વાસુદેવભાઈ જોષી મુળ રાજકોટ જસદણના વતની છે. દિપેશભાઈ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ગત 12 મેના રોજ રાત્રે એક વાગે લજામણી ચોક પાસે આવેલી દ્વારકેશ સોસાયટીના ગેટ સામે તેમની કાર (જીજે-05-આરપી-3133) પાર્ક કરી હતી. કારમાં તેમની લેધરની બેગ મુકેલી હતી. જેમાં દિપેશભાઈનું તથા તેમના માતા-પિતા, પત્ની અને બાળકોના આધારકાર્ડ હતા. તથા તેમના પિતા વાસુદેવભાઈ જોષીનું રીવોલ્વરનું ઓરીજનલ લાયસન્સ પણ બેગમાં હતુ. તથા જસદણ પોલીસ સ્ટેશનમાં રિવોલ્વર જમા કરાવ્યાની પહોચ તથા કોરા ચેક, વરાછા બેંકના લોકરની ચાવી તથા અન્ય ડોક્યુમેન્ટ મુક્યા હતા. સવારે દિપેશભાઈના બનેવી હર્ષભાઈએ ફોન કરીને તેમના કારનો કાચ કોઈકે તોડી નાખ્યાની જાણ કરી હતી. તેમણે આવીને જોતા કારમાંથી બેગ ગાયબ હતી. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી હતી.