સુરત: (Surat) ભેસ્તાન (Bhestan) આવાસમાં બુરખો પહેરીને આવેલી એક મહિલાએ 7 વર્ષની પુત્રીને કહ્યું કે, તારી માતા ગેટ ઉપર રાહ જુએ છે, પુત્રીને બહાર મોકલીને 2 વર્ષના બાળકનું અપહરણ (Kidnap) કરી આ મહિલા ફરાર થઇ ગઇ હતી. આ મામલે ડિંડોલી પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- એક તરફ પિતા ચોરીના ગુનામાં જેલમાં છે, માતા મજૂરીએ ગઈ હતી અને 2 વર્ષના બાળકનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ
- અપહરણ થવાના કેસમાં પણ તેની માતાનો જ હાથ હોવાની શંકાએ પોલીસે માતાની પણ પૂછપરછ શરૂ કરી
પ્રાપ્ત વિગતો મુજબ ભેસ્તાન આવાસમાં રહેતા એક યુવાન હાલમાં જેલવાસ ભોગવી રહ્યો છે. તેની પત્ની બે બાળકને ઘરે જ મૂકીને મજૂરીકામ માટે જતી હતી. સાત વર્ષની પુત્રી અને બે વર્ષનો બાળક ઘરે હાજર હતો. ત્યારે બપોરના સમયે બુરખો પહેરીને એક મહિલા આવી હતી. આ મહિલાએ સાત વર્ષની બાળાને કહ્યું કે, તારી માતા બહાર ગેટ ઉપર તારી રાહ જુએ છે. બાળા દોડતી દોડતી માતાને મળવા માટે ગઇ ત્યારે તકનો લાભ લઇને બુરખો પહેરીને આવેલી મહિલા 2 વર્ષના બાળકને લઇને જતી રહી હતી. સાત વર્ષના બાળા પાછી ઘરે આવી ત્યારે તેનો ભાઇ દેખાયો ન હતો. સાંજના સમયે જ્યારે બંને બાળકની માતા ઘરે આવી ત્યારે તેણીએ માત્ર પુત્રીને જ જોઇ હતી, પરંતુ પુત્ર ન હતો. આ અંગે પુત્રીએ બપોરે બનેલી ઘટના અંગે માતાને વાત કરી હતી. આ બાબતે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
થોડા દિવસો પહેલાં માતા જ બાળકને સંબંધીના ઘરે મૂકી આવી હતી
પોલીસના કહેવા પ્રમાણે જે બાળકનું અપહરણ થયું છે તેને લઇને બાળકની માતા ઉપર જ શંકા સેવાઇ રહી છે. થોડા દિવસો પહેલાં તેનો પતિ જેલમાં ગયો હોવાથી બંને બાળકોની જવાબદારી આ મહિલાના માથે આવી પડી હતી. જેના કારણે મહિલા પોતાના પુત્રને એક સંબંધીના ઘરે મૂકી આવી હતી. આ મુદ્દે હોબાળો થતાં જ સંબંધી ફરી પાછા પુત્રને તેની માતા પાસે મૂકી ગયા હતા. ત્યારે હાલમાં અપહરણ થવાના કેસમાં પણ તેની માતાનો જ હાથ હોવાની શંકાએ પોલીસે માતાની પણ પૂછપરછ શરૂ કરી છે.