સુરત: (Surat) કોરોનાકાળ વખતે હોસ્પિટલોમાં આગની દુર્ઘટના અને તેમાં નિર્દોષ લોકોનાં મોત થયા બાદ હાઇકોર્ટમાં બીયુ સર્ટિ. (BU Certificate) વગરની મિલકતો સામે કાર્યવાહી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જેના પગલે સુરત મનપા (Surat Corporation) દ્વારા પણ આવી મિલકતો સામે સીલિંગની કાર્યવાહી કરી છે. પરંતુ વરસો જૂની મિલકતોમાં સીલ લાગતાં ઉહાપોહ થયો છે. તેથી આ મિલકતોમાં વચ્ચેનો રસ્તો કાઢી બીયુ સર્ટિ. કેવી રીતે આપી શકાય તેના મનોમંથન માટે મનપા કમિશનરે અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.
મનપા કમિશનરની મીટિંગમાં તમામ ઝોનના અધિકારીઓ અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. શહેરમાં કુલ 668 મિલકત એવી છે, જેમાં બીયુ સર્ટિ. નથી, જેમાં 159 તો હોસ્પિટલ છે. આ પૈકી ઘણી મિલકતો બે-ત્રણ દાયકા જૂની પણ છે. આથી તેમાં બીયુ સર્ટિ. લેવાયાં જ ન હતાં. મનપા કમિશનરે અધિકારીઓ સાથે મનોમંથન કર્યુ હતું કે, આ મિલકતોને કોઇ રીતે બીયુ સર્ટિ. આપી શકાય કે નહીં. જો કે, અધિકારીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, આ મિલકતોમાં કોઇ જગ્યાએ ઓટીએસ કવર થઇ ગયાં છે તો ઘણી મિલકતોમાં પ્લાન જ મુકાયા નથી. અનેક મિલકતોમાં તદ્દન ગેરકાયદે બાંધકામ છે. તેથી બીયુ સર્ટિ.નો કોઇ વચલો રસ્તો નીકળી શકે તેમ છે જ નહીં.
ઉગત ગાર્ડનમાં વધુ જગ્યાના ગેરકાયદે ઉપયોગ મુદ્દે ઇજારદાર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા શાસકોનો આદેશ
સુરત : સુરત મનપા દ્વારા પબ્લિક પ્રાઇનેટ પાર્ટનરશીપથી થતા પ્રોજેક્ટમાં જમીન ફાળવાઈ ત્યારે ઇજારદારો દ્વારા અધિકારીઓની મીલીભગતમાં થતા કોઠા-કબાડાઓનો ભાંડો તાજેતરમાં ઉગત ગાર્ડન એમ્યુઝમેન્ટ પાર્કમાં ટેન્ડરની શરત કરતાં ૬ હજાર ચોમી. જેટલી જગ્યાનો વધુ ઉપયોગ ઇજારદાર ખોડિયાર કોર્પોરેશન દ્વારા કરાયો હોવાનું બહાર આવતાં ફૂટ્યો છે. ત્યારે હવે સ્થાયી સમિતિ અધ્યક્ષે ટેન્ડરની શરતનો ભંગ કરનાર એજન્સી અને તેને છાવરનાર જે-તે સમયના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતી નોંધ મનપા કમિશનર સમક્ષ મૂકી છે.
વિસ્તૃત વિગતો મુજબ મનપાના ઉગત ગાર્ડનમાં પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે છ વર્ષ પહેલાં ખોડલ કોર્પોરેશનને 10 હજાર ચો.મી. જગ્યા ફાળવી હતી. પરંતુ ઇજારદાર એજન્સીએ જે-તે સમયે મનપાના અધિકારીઓની મીલીભગતમાં 16 હજાર ચો.મી. જગ્યાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જો કે, તાજેતરમાં એન્યુઝમેન્ટ પાર્ક સિવાયની જગ્યા પરના ગાર્ડનને અન્ય એજન્સીને પીપીપીથી સોંપવા માટે ઠરાવ થયા બાદ આ એજન્સીને સોંપવાનો સયમ આવ્યો ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો. અને મનપા દ્વારા ખોડલ કોર્પોરેશને વધુ જગ્યાના ઉપયોગ કર્યાનું બહાર આવતાં નોટિસ ફટકારી હતી. જો કે, એજન્સીએ આ નોટિસને ગંભીરતાથી લીધી નહીં હોવાથી શાસકો અકળાયા છે અને સ્થાયી અધ્યક્ષે નોંધ મૂકીને આ કિસ્સામાં જવાબદાર સામે પગલાં ભરવા જાઇએ તેવી સૂચના આપી છે.