સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (SMC)ના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન (Old house) અચાનક તૂટી પડતા (Collapse) અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગે (Fire dept) પુરજોશમાં મકાનમાં રહેતા લોકોને બહાર કાઢવાની (Rescue) કામગીરી કરી હતી. સુરતના કોટસફીલ રોડ ગોલવાડ (Golwad) વિસ્તારમાં આવેલ અમદાવાદીની શેરીમાં બપોરે લગભગ સવા બાર વાગ્યે આ ઘટના ઘટી હતી. જેમાં એક 13 વર્ષનો બાળક દબાયો હતો જેને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા શહેરનાં ત્રણ ફાયર સ્ટેશનના ફાયર ફાયટરો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ પાલિકાએ વારંવાર નોટિસ આપવા છતાં મિલકત ધરાવતા માલિકે રીપેરીંગ ના કરાવતા આખરે મકાન તૂટી પડયુ હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે તુરંત ઘટના સ્થળે ધસી આવી દબાયેલા એક છોકરાને હેમખેમ બહાર કાઢ્યો હતો. એક અંદાજ મુજબ હાલની પરિસ્થિતિમાં સુરતના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોની સંખ્યા સૌથી વધુ છે. આવા જ એક જજરિત મકાનમાંથી સુરતના ગોલવાડ વિસ્તારમાં ચાર માળનું એક મકાન રવિવારે અચાનક તૂટી પડયું હતું. મકાનનો એક તરફનો ભાગ બેસી જતા આસપાસમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
ઉલ્લેખનીય છે કે ગભરાટનો માહોલ ફેલાતા કેટલાક જાગૃત નાગરિકોએ તંત્રને જાણ કરી હતી, અને મકાન તૂટી પડવાનો કોલ મળતા જ સુરત ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જેમાં તુરંત ફાયર વિભાગ દ્વારા એક દબાયેલા બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ બાળકને ઈજા થતાં તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ મકાન અને આસપાસમાં રહેતા લોકોને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ મકાનને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, નોટિસ આપ્યા બાદ પાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી ન હતી જેના કારણે આજે આ દુર્ઘટના થઈ હતી. સાથે જ આ જ વિસ્તારમાં ઘણા આવા મકાનો છે જેની પણ કોઈ દુર્ઘટના થાય તેની તંત્ર રાહ જોતું હોય તેવું લાગે છે, હાલ તો ફાયર વિભાગની ટીમ અન્ય કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ તેની તપાસ સાથે બચાવ કામગીરી કરી રહયુ છે.
મહત્વની વાત છે કે ગોલવાડમાં ચાર માળનું મકાન તૂટી પડવાની ખબર સાથે જ પાલિકાના ફાયર અને પોલીસ વિભાગ સાથે મેયર પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને ફાયરની કામગીરી દરમિયાન જર્જરિત મકાનમાં રેસ્ક્યુ માટે મૂકવામાં આવેલી સીડી ઉપરથી મેયર હેમાલી બોઘા વાલા પણ મકાનમાં જતા રહ્યા હતા, જેના કારણે પણ વિવાદ ઉભો થયો છે.