સુરત : (Surat) શહેરમાં અસામાજિક તત્વોની કરતૂતો સતત વધી રહી છે અને પોલીસ (Police) સામે જાણે પડકાર ઉભો થયો છે, ત્યારે શહેરના કુબેરજી બિલ્ડર્સ (Kuberji Builders) જૂથના બિલ્ડર નરેશ અગ્રવાલ (Naresh Agrawal) પર કુંભારિયા વિસ્તારમાં ચપ્પુથી હુમલો (Attack) થતા ચકચાર મચી જવા પામી છે. નરેશ અગ્રવાલે આ બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint) નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાધ ધરી હતી.
- નરેશ અગ્રવાલ સવારે તેમની સારોલી ખાતેની ઓફિસે જતા હતા ત્યારે મિત્ર વસંત પટેલે વાડી પર બોલાવ્યા હતા
- નરેશ અગ્રવાલ વાડી પર પહોંચ્યા ત્યારે પહેલાંથી જ 3 જણા ત્યાં બેઠા હતા
- સોનુ નામના શખ્સ ગાળો આપી ચપ્પુ લઈ મારવા દોડ્યો
- ગભરાઈને નરેશ અગ્રવાલ કારમાં બેસી ગયા તો સોનુએ કાચ ખોલવા બળજબરી કરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ભટાર રોડ શ્રીશ્યામ આવાસ ખાતે રહેતાં અને કુબેરજી બિલ્ડર્સનાં માલિક નરેશ અગ્રવાલ સવારે ૧૧ વાગ્યે નરેશ અગ્રવાલ ડ્રાઈવર સાથે કારમાં સારોલી ખાતે આવેલી તેમની ઓફિસે જઈ રહ્યાં હતાં ત્યારે મિત્ર વસંતભાઈ ઈશ્વરભાઈ પટેલે તેમને ફોન કરીને કુંભારિયા ગામ, પાદર ફળિયુ, મોલવીની વાડી ખાતે બોલાવ્યાં હતાં. રસ્તામાં જ વાડી આવતી હોવાથી નરેશ અગ્રવાલ ત્યાં પહોંચ્યા હતાં ત્યારે વાડીની અંદર ત્રણ જણાં હાજર હતાં. જેમાં એક સોનુ નામના હિન્દી ભાષીએ તેને ગાળો આપી હતી. આ વાડી અમારી છે, તમે શું કામ અંદર આવ્યાં તેમ કહી ચપ્પુ લઈ મારવા દોડ્યો હતો. જેથી નરેશ અગ્રવાલ ગભરાઈને તેમની કારમાં બેસી ગયા હતાં ત્યારે પણ સોનુ નજીક આવીને કાચ ખોલાવા માટે બળજબરી કરી કાર ઉપર ચપ્પુ વડે ઘસરકા માડ્યાં હતાં. તે સમયે નરેશ અગ્રવાલનાં ડ્રાઈવરે કાર હંકારી મૂકી હતી અને ત્યાંથી નાસી ગયાં હતાં. આ બાબતે મોડી સાંજે નરેશ અગ્રવાલે પુણા પોલીસ સ્ટેશનમાં સોનુ નામની વ્યક્તિ અને બીજા બે જણાં સામે ફરિયાદ નોંધાવી હતી.