સુરત: (Surat) વિયરકમ કોઝવે (Causeway) ઉપર પાણીમાં બનેલા બેટ ઉપર રવિવારે બપોરે ચાર જેટલા ઢોર ચરતા ચરતા આગળ નીકળી ગયા હતા. ઢોરને ત્યાંથી બહાર કાઢવા તેનો રખેવાળ બેટ ઉપર પહોંચી ગયો હતો અને ભેંસોને (Buffalo) બહાર કાઢી રહ્યો હતો. આ દ્રશ્યો જોતા અહીંથી પસાર થતા લોકોને લાગ્યું કે કોઈ વ્યકિત પાણીમાં તણાઈ રહ્યો છે જેથી તેમણે ફાયર કંટ્રોલને જાણ કરતા ફાયર (Fire) વિભાગની ટીમ દોડતી થઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં તો તેના ઢોરને લઇ માલિક પાણીમાંથી બહાર નીકળી ગયો હતો જેથી ફાયર સ્ટેશનની ટીમને ભર બપોરે ફોકટની કસરત થઇ ગઈ હતી.
પ્રાપ્ત સૂચના અનુસાર રવિવારે બપોરે 02:12 કલાકે રાંદેર અને કતારગામને જોડતા કોઝવેમાં બેટ ઉપર ઉગેલી લીલોતરીને ચરવા માટે ચાર ભેંસો આગળ નીકળી ગઈ હતી. આ ભેંસોને બેટ ઉપરથી પરત લાવવા માટે તેનો રખેવાળ પણ બેટ ઉપર પહોંચી ગયો હતો. દરમ્યાન કોઝવે ઉપરથી પસાર થઇ રહેલા રાહદારીઓને લાગ્યું કે કોઈ વ્યકિત પાણીમાં તણાઈ રહ્યો છે. તેથી ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરાઈ હતી અને ત્યારબાદ તેનો કોલ કતારગામ ફાયર સ્ટેશનને મળતા તેમની ટીમ ઘટના સ્થળ ઉપર રેસ્ક્યુ કરવા દોડી ગઈ હતી પરંતુ પાણીમાં તે સમયે કોઈ હતું નહીં.
અને ઢોરનો માલિક પણ તેની ભેંસોને લઇને તબેલામાં પહોંચી ગયો હતો. જોકે વ્યકિત પાણીમાં તણાઈ ગયો હોવાનો ભ્રમ લોકોને થયો હોવાનું ફલિત થયું હોય તેવું ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ કતારગામ ફાયરની ટીમ ભરીમાતા તબેલા સુધી પહોંચી ગઈ હતી અને ઢોરના મલિકની પૂછતાછ કરતા માલિક અંકિત પટેલે બધી હકીકત ફાયર વિભાગના અધિકારીને જણાવી હતી.