SURAT

સુરત: 2024-25નાં ડ્રાફટ બજેટનો મુસદો તેમજ વર્ષ 2023-24નું રીવાઇઝ બજેટ સોમવારે મનપા કમિશનર જાહેર કરશે

સુરત: (Surat) લોકસભાની ચુંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતા, મહાકાય પ્રોજેકટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કીમીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને (SMC) ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેંસ કરીને મનપા કમિશનર શાલીની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત ત્રણ ચાર દિવસના રાત ઉજાગરા કરીને તૈયાર કરેલા વર્ષ 2024-25નાં ડ્રાફટ બજેટનો મુસદો તેમજ વર્ષ 2023-24ના રીવાઇઝ બજેટને મનપા કમિશનર સોમવારે જાહેર કરશે.

  • સુરત મનપાના 2024-25ના બજેટમાં ઝોન સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેશે : મહેકમ ખર્ચમાં મોટો વધારો
  • આજે મનપા કમિશનર બજેટનો ડ્રાફટ જાહેર કરશે: સરકારી ગ્રાન્ટ આધારીત બજેટ હોવા છતા, વિકાસ કામો માટે 3500 કરોડથી વધુની માતબર જોગવાઇ હશે

સતત વઘી રહેલા ખર્ચ અને વિકાસ કામો તેમજ તેના રખરખાવના ખર્ચની સામે આવકના નવા સ્ત્રોત મળી રહયા નથી. ત્યારે આ વખતનું બજેટ સરકારી ગ્રાન્ટ પર આધારીત બજેટ હોય તેવી પ્રતિતિ થશે, ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ કામોને ખર્ચ રેકોર્ડ બ્રેક 3000 કરોડને પાર થવા જઇ રહયો છે. ત્યારે નવા બજેટમાં પણ વિકાસ કામો માટે 3500 કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. જો કે હવે સુરત મનપાનો મહેકમ ખર્ચમાં મોટો વધારો થવા જઇ રહયો છે.

છેલ્લા પંદર દિવસથી મહાનગર પાલિકા કમિશ્નર વિવિધ વિભાગના વડા અને ઝોન સાથે બેઠક કરીને રિવાઈઝ બજેટ અને ડ્રાફ્ટ બજેટ ને આખરી ઓપ આપી રહ્યા હતા. ત્યાર બાદ આવતીકાલે પાલકાના સાયન્સ સેન્ટર ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું રીવાઈઝ બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીનું વર્ષ હોય પાલિકાના બજેટમાં વેરામાં કોઈ વધારો થાય તેવી શક્યતા નહીવત છે. જયારે ઝોનમાં મોટા ભાગે સુવિધાના એવા કામો જેને સરકારની ગ્રાન્ટ મળવાની હોય તેના પર ભાર મુકી વધારના પ્રોજેકટ મુકવાનું ટળાયું છે.

Most Popular

To Top