સુરત: (Surat) મગોબ ખાતે બીઆરટીએસ (BRTS) ઇલેક્ટ્રીક બસ (Electric Bus) ડેપોના પાર્કીંગમાં રવિવારે સાંજે રીલ બનાવતા અને સેલ્ફી લેતા પાંચ યુવકોને સિક્યોરિટી ગાર્ડે ના પાડી હતી. બાદમાં આ યુવકોએ ડેપોમાં તોડફોડ કરી માર માર્યો હતો. એટલું જ નહીં તેઓ બાઈક લઈ ડેપોમાં ઘુસી ગયા હતા. પોલીસે રીલ (Reel) બનાવનાર એક્ટર સહિત પાંચ લબરમુછીયાઓની ધરપકડ કરી છે.
- બીઆરટીએસ ડેપોમાં રીલ બનાવવા અને સેલ્ફી લેવા ના પાડતા તોડફોડ કરનાર એક્ટર સહિત પાંચની ધરપકડ
- એક્ટરે તેના પાંચ માણસો સાથે મળી તોડફોડ કરી સુપરવાઈઝર, ડેપો મેનેજર, સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો
- અમે અહીં જ રીલ બનાવવાના અને સેલ્ફી લેવાના, તમારાથી થાય તે કરી લો
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત રવિવારે સાંજે મગોબ બીઆરટીએસ ઇલેક્ટ્રીક બસ ડેપોના બંને ગેટની વચ્ચે પાર્કીંગમાં એક લાંબા વાળવાળો છોકરો અને તેની સાથે ત્રણ છોકરાઓ રીલ બનાવતા અને સેલ્ફી લેતા હતા. સિક્યોરિટી ગાર્ડે ના પાડતા તેમની સાથે ગાળાગાળી કરી હતી. સુપરવાઈઝર પ્રદ્યુમનસીંગ રાજપૂત અને ડેપો મેનેજર જીતેન્દર ચૌધરી પણ દોડી આવ્યા હતા. તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી. અને અમે અહીં જ રીલ બનાવવાના અને સેલ્ફી લેવાના, તમારાથી થાય તે કરી લો કહી ધમકી આપી હતી. સુપરવાઈઝર પ્રદ્યુમનસીંગ રાજપૂત અને ડેપો મેનેજર જીતેન્દર ચૌધરી અંદર ચાલ્યા ગયાના થોડા સમય પછી પાંચેકજણા સાથે આવીને બાઈક લઈ ડેપોમાં ઘુસી ગયા હતા. અને ઓફિસ અને કોમ્પ્યુટરમાં તોડફોડ કરી સુપરવાઈઝર, ડેપો મેનેજર, સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો.આ અંગે પોલીસને જાણ કરતા તેઓ ભાગી ગયા હતા.
ગોડાદરા પોલીસે લાંબા વાળવાળા સની પાંડે અને બાઈક ( નં.જીજે-05-કેએકસ-8954 ) ના પ્રશાંત ચૌહાણ અને બીજા ત્રણ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી તપાસ કરી હતી. દરમિયાન સની સંતોષ પાન્ડે ( ઉ.વ.22, રહે. અંબાનગર, ભટાર તથા મુળ ઉત્તરપ્રદેશ), એક્ટર યશ ગોપાલ સાલુંકે (ઉ.વ.20, રહે. સંતોષીનગર, લીંબાયત, સુરત), રાજકુમાર સુનીલ થોરાત (ઉ.વ.20, રહે. સાંઇનગર, ગોડાદરા સુરત. મુળ રહે.મહારાષ્ટ્ર ), દિપક જગદીશ રંભાળ (ઉ.વ.19, રહે. ગલી નં.1, શાંતીનગર, લીંબાયત, સુરત) અને પ્રશાંત રાજેશભાઇ ચૌહણ (ઉ.વ.19, રહે. સાંઇનગર, આસપાસ મંદિરની સામે, ગોડાદરા, સુરત. મુળ રહે.મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી જામીન મુક્ત કર્યા હતા.