સુરત: (Surat) બ્રિજ સીટી સુરતમાં વધુ સાત બ્રિજની (Bridge) ફીઝિબિલિટી રીપોર્ટ (Feasibility Report) માટે શાસકોએ સને ૨૦૨૨-૨૩ના બજેટમાં પાંચ કરોડની જોગવાઇ કરી છે. જેમાં સુર્યપુર ગરનાળા પરથી વરાછા ફલાયઓવર બ્રિજને જોડતા પોદ્દાર આર્કેડ ચાર રસ્તાને ક્રોસ કરતો ઓવરબ્રિજ, વલ્લભાચાર્ય હીરાબાગને જોડતો ફ્લાયઓવર બ્રિજ, ડિંડોલી ખાતે સાંઈ પોઈન્ટ ખાતે બ્રિજ, મહારાણા પ્રતાપ બ્રિજ, ગોડાદરા અને સુરત કડોદરા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલને સંલગ્ન ફ્લાય ઓવર બ્રિજ અને રતનમાળા બ્રિજ-કતારગામનો સમાવેશ થાય છે. જો કે આ બ્રિજ પૈકી સુર્યપુર ગરનાળા પર રેલ્વે ફલાય ઓવર બ્રિજ અને રત્નમાલા બ્રિજના ફીઝિબિલિટી રિપોર્ટ માટે અગાઉ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઇ ચૂકયો છે અને રિપોર્ટ નેગેટિવ આવતો હોવાથી આ બ્રિજને બે વર્ષથી બજેટમાં (Budget) સામેલ કરવામાં આવતા નહોતા. જોકે, હવે શાસકોએ તેને સામેલ કર્યા છે ત્યારે તેના માટે કામગીરી કરાશે.
મનપાની મિલકતોના ટેરેસ પર સોલાર વીજ ઉત્પાદન અને હોર્ડિંગ્સ થકી આવક ઉભી કરાશે
મનપાની સીએચસી, પીએસસી અને યુએચસીની ઈમારતોમાં સ્ટેબિલિટી ચેક કર્યા બાદ અગાસી પર સોલાર પેનલ ગોઠવીને વીજ ઉત્પાદન કરવા સંદર્ભે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પાલિકાની માલિકીની ઈમારતો પર શક્ય હોય તેવા સ્થળે ર્હોડિંગ્સ મુકીને આવક ઉભી કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગ્રીન એનર્જી હેઠળ સુરત મહાનગર પાલિકા દ્વારા પોતાની વિવિધ ઈમારતો પર સ્ટેબિલીટી ચેક કર્યા બાદ સોલાર પેનલો ગોઠવીને વીજ ઉત્પાદન થકી વર્ષે દહાડે પાંચ મેગા વોટ પાવર જનરેટ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય પાલિકાને વધારાની આવક થાય તે માટે હયાત ઈમારતોમાં શક્ય હોય તો ર્હોડિંગ્સ મુકીને પણ આવક ઉભી કરવામાં આવશે.
સ્થાયી સમિતિની બજેટમાં નવા સાત બ્રિજ, દરેક ઝોનમાં 10-10 સ્કુલો, સ્કુલોનું ડિજિટલાઈઝેશન, સોલાર પાવર પર ભાર મુકવા સહિતની જોગવાઇ કરવામાં આવી છે. કમિ.એ યુઝરચાર્જમાં કરેલા વધારાને યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે વેરો ભરવામાં મોડું કરતા મિલકતદારોને લાભ થાય તે રીતે કોરોના કાળને ધ્યાનમાં રાખી મિલકત વેરાની વર્ષ 2020-21 સુધીની બાકી રકમ પર રહેણાંકમાં 100 ટકા અને કોમર્શિયલમાં 50 ટકા વ્યાજ માફીની જાહેરાત કરાઇ છે. જેથી સુરત મનપાની તિજોરીને 143.56 કરોડનો ફટકો પડશે.