SURAT

સુરત: સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજના રેલવે લાઈન ઉપરના ગર્ડર ચઢાવવાના શરૂ

સુરત: (Surat) સુરત મનપા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની (Bridge) કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. મનપા (Corporation) દ્વારા નવા વર્ષમાં આ બ્રિજ શહેરીજનોને ઉપયોગમાં લઈ શકે તે માટે કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. માર્ચ 2022 સુધીમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે. હાલમાં મનપાના બ્રિજ વિભાગ દ્વારા રેલવે લાઈન (Railway Line) ઉપરના ગર્ડર ચઢાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને કુલ 27 ગર્ડરો પૈકી 9 ગર્ડર ચઢાવી દેવાઇ છે.

સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની પ્રોજેક્ટ કોસ્ટ રૂા. 133 કરોડ છે. હાલમાં આ બ્રિજની 72 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બ્રિજ શરૂ થતા જ 15 લાખ લોકોને આ તેનો ફાયદો મળવાનો છે ત્યારે ઝડપથી આ બ્રિજ પૂર્ણ કરવા માટે રાઉન્ડ ધ ક્લોક સાઈટ પર કામગીરી ચાલી રહી છે. સહારા દરવાજા મલ્ટિ લેયર બ્રિજ છે જેમાં રેલવે લાઈન પાસેથી પણ આ બ્રિજ પસાર થવાનો છે. રેલવેના ભાગમાં કુલ 27 ગર્ડર ચઢાવવાની છે જે પૈકીના સ્મીમેર કોલેજ તરફના 9 ગર્ડર ચઢાવી દેવાઇ છે. 30 મીટરના સ્પાનમાં હાલમાં કુલ 9 ગર્ડરો ચઢાવાઇ છે. પ્રત્યેક ગર્ડરનું વજન 22 ટન છે એવી કુલ 225 ટન વજનની ગર્ડર ક્રેઈનની મદદથી ચઢાવી દેવાઇ છે. આ બ્રિજની લંબાઇ કુલ 2 કિલોમીટરની છે.

સ્વચ્છ ભારત મિશન 2.0માં સુરતને મહતમ ગ્રાન્ટની શકયતા. શ્રેષ્ઠ કામગીરી માટે પસંદ થયેલા 10 શહેરોમાં સુરતનો સમાવેશ

સુરત : સુરત મહાનગર પાલિકા કેન્દ્ર અને રાજય સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ ઉઠાવવામાં માહિર છે. ત્યારે અગાઉ કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના અંર્તગત આ યોજનાને આનુસાંગિક કાર્યોમાં સારો દેખાવ કર્યા બાદ હવે સરકારે સ્વચ્છ ભારત મિશન 2.0 માટે ઓપરેશનલ ગાઇડલાઇન જારી કરી હોય તેમાં પણ સુરતને મહતમ લાભ મળે તેવી શકયતા મનપા કમિશનર બંછાનીધી પાનીએ વ્યકત કરી હતી.

મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન 2.0 માટે જે ગાઇડલાઇન બની છે. તેમાં દેશના જે 10 શહેરોનું પરફોર્મન્સ ધ્યાને લેવાયું તેમાં ગુજરાતમાંથી માત્ર સુરતનો સમાવેશ થાય છે. તેથી આ યોજનાના નવા ફેઇઝમાં સુરતને વધુમાં વધુ લાભ મળવાની આશા છે. ખાસ કરીને સુરત મનપાને ડોર ટુ ડોર ગાર્બજ કલેકશન, ખજોદ ડીસ્પોઝલ સાઇટ, ગાર્બેઝ લેન્ડ ફીલસાઇટ કલોઝ કરવાની કામગીરી, પ્લાસ્ટિક વેસ્ટના પ્રોસેસિંગ સહિતના કાર્યો માટે આ યોજનામાંથી મોટું ભંડોળ મળી શકે તેની શકયતા છે.

Most Popular

To Top