પલસાણા: સુરત જિલ્લાનો (Surat District) મોસ્ટ વોન્ટેડ બુટલેગર (Bootlegger) સન્ની ઉર્ફે સોહન પટેલને કડોદરા પોલીસે (Police) ચલથાણ ખાતે આવેલા તેના મકાનમાંથી ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂના (Alcohol) 16 જેટલા કેસમાં સન્ની વોન્ટેડ હતો. તેના વિરુદ્ધ 28 ગુના નોંધાયા છે. પોલીસને બાતમી મળતાં જ તેના ઘરે પહોંચી હતી અને ભારે જહેમત બાદ તેને દબોચી લીધો હતો.
- સુરત જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર સન્ની ઉર્ફે સોહન પટેલ વિરુદ્ધ સુરત તેમજ નવસારી જિલ્લામાં વિદેશી દારૂના 28 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે
- લિસ્ટેડ બુટલેગર સુરત જિલ્લાના કડોદરા, પલસાણા, કામરેજ તેમજ બારડોલી પોલીસ સ્ટેશનના 16 જેટલા વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હતો
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર સન્ની ઉર્ફે સોહન પટેલ વિરુદ્ધ સુરત તેમજ નવસારી જિલ્લામાં વિદેશી દારૂના 28 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. અને છેલ્લાં બે વર્ષથી સુરત જિલ્લામાં વિદેશી દારૂના 16 જેટલા ગુનામાં તે વોન્ટેડ હતો. તે દરમિયાન કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી.પટેલને બાતમી મળતાં તેઓ ટીમ સાથે સન્ની ઉર્ફે સોહન કિશોરભાઇ પટેલના ચલથાણ ખાતે આવેલા આદર્શ બંગ્લોઝ મકાન નં.45 ખાતે પહોંચ્યા હતા. અને ઘરમાં તેની શોધખોળ કરી હતી. તેમ છતાં તે મળી આવ્યો ન હતો. ઘરમાં મહિલા હાજર હોવાથી પોલીસે મહિલા પોલીસને બોલાવ્યા બાદ શોધખોળ કરતાં ભારે જહેમત બાદ આખરે તેને દબોચી લીધો હતો. અને તેણે આ ગુનાની કબૂલાત કરી હતી. આ લિસ્ટેડ બુટલેગર સુરત જિલ્લાના કડોદરા, પલસાણા, કામરેજ તેમજ બારડોલી પોલીસ સ્ટેશનના 16 જેટલા વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લિસ્ટેડ બુટલેગર અભરાઈ ઉપર ગાદલાં અને વાસણની આડમાં છુપાયો હતો
પીઆઈને બાતમી મળતાં તેઓ ટીમ સાથે લિસ્ટેડ બુટલેગરના ઘરે તો પહોંચ્યા, પરંતુ ઘરમાં મહિલા હાજર હોવાથી પી.આઈ.એ મહિલા પોલીસને બોલાવ્યા બાદ ટીમ સાથે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ઘરમાં હાજર મહિલાએ જણાવ્યું હતું કે, સન્ની ઘરમાં નથી. ત્યારબાદ ફરી એકવાર પોલીસે ઘરમાં શોધખોળ કરતાં સન્ની ઘરમાં આવેલા કબાટની અભરાઇ ઉપર દોઢથી બે ફૂટ જેટલી જગ્યામાં સંતાયો હતો. પોલીસે અભરાઇ ઉપરથી ગાદલાં અને વાસણ ખસેડતાં તે ત્યાંથી મળી આવ્યો હતો.