સુરત: (Surat) શહેરમાં પહેલાં પોલીસના (Police) જન્મદિવસનો વિડીયો વાયરલ (Video Viral) થયો હતો, ત્યાં હવે લિસ્ટેડ બુટલેગરનો (Bootlegger) જન્મદિવસ ઉજવાયો તેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં રાંદેર પોલીસના ડી-સ્ટાફના (D-Staff) રિક્ષા ડ્રાઇવરોની હાજરી પણ જોવા મળી હતી. એકતરફ રાત્રિ દરમિયાન પોલીસનો સ્ટાફ મનફાવે તેમ સામાન્ય લોકો સાથે વર્તન કરે છે અને બીજી તરફ પોલીસના કેશિયરો જ બુટલેગરોની સાથે જન્મદિવસ ઊજવતા હોવાથી અનેક તર્કવિતર્કો થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાંદેર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર સઇદ ચીકનાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં રાંદેર પોલીસના કેશિયરોના રિક્ષા ડ્રાઇવરો પણ જોવા મળ્યા હતા. બેથી ત્રણ રિક્ષા ડ્રાઇવરોની હાજરી સાથે સઇદ ચીકનાનો જન્મદિવસ ઉજવાયો હતો. રાત્રિના કરફ્યૂ દરમિયાન સામાન્ય લોકોને પકડી પોલીસ 1000 સુધીનો દંડ ઉઘરાવી રહી છે, ત્યાં લિસ્ટેડ બુટલેગરોની જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થંતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આ બાબતે રાંદેર પોલીસમાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉજવણીમાં રાંદેર પોલીસના કેશિયરોના માણસો જ હોવાથી પોલીસે તેમને બચાવી લીધાની બૂમો પણ ઊઠી છે.
અમરોલીમાં યુવતીને બર્થ-ડે પાર્ટીમાં બોલાવી કેફી પીણું પીવડાવી બે યુવકે માર માર્યો
સુરત: શહેરના અમરોલી આવાસમાં રહેતી યુવતીને બર્થ-ડે પાર્ટીમાં બોલાવી ઘેની પીણું પીવડાવી માર માર્યો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. શહેરના અમરોલી-ઉત્રાણ આવાસમાં રહેતા લવજીભાઈ (નામ બદલ્યું છે)ની દીકરી પ્રિતી (ઉં.વ.19) (નામ બદલ્યું છે) ઘરકામ કરે છે. તેને ગઈકાલે તેના મિત્ર અક્ષય આહીર (રહે.,સીતાનગર, કોપાદ્રા)નો બપોરે ફોન આવ્યો હતો. અને પોતાનો બર્થ-ડે હોવાનું કહી પાર્ટી રાખી છે, તું પણ આવજે અને અમરોલી મનીષા ગરનાળા પાસે કેફેમાં કેક કાપવાની છે એવું કહ્યું હતું. બપોરે ત્રણ વાગે બોલાવી હોવાથી પ્રિતી નવાં કપડાં પહેરી તેની માતા પાસે બહાર મિત્રના બર્થ-ડેમાં જવાનું કહી મોબાઈલ ફોન માંગ્યો હતો. પ્રિતીની માતાએ મોબાઈલ ફોન આપવા ઇનકાર કરી કશે જવાનું નથી તેવું કહેતાં પ્રિતી મોબાઈલ લીધા વગર જતી રહી હતી.
પ્રિતી રિક્ષામાં બેસીને માન સરોવર ઊતરી ત્યાંથી છાપરાભાઠા આવી લક્ષ્મી પ્લાઝા શોપ ગઈ હતી. ત્યાં અક્ષય અને તેના ચારેક મિત્રો ઊભા હતા. ત્યાં મિત્રની ઓફિસમાં ગ્લાસમાં કોઈ ઠંડાં પીણાં જેવું પીવડાવ્યું હતું. પ્રિતીએ ના પાડતાં અક્ષયે તેના હાથથી પીવડાવ્યું હતું. પ્રિતીને પીધા બાદ ઘેન આવવા લાગી હતી. પછી તેને કોઈ ભાન નહોતું પછી તેને ઘરે લીપ નજીક અક્ષય અને તેનો મિત્ર બાઈક ઉપર મૂકી ગયા હતા. ત્યારે પ્રિતી અર્ધબેભાન હોવાથી અક્ષય તેને ગાળો આપતો હતો અને મોંના ભાગે જોરથી લાત મારી હતી. પ્રિતી ત્યાં પટકાતાં બીજા માણસો ત્યાં આવી જઈ 108 બોલાવી સ્મીમેરમાં ખસેડાઈ હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધારે તપાસ હાથ ધરી છે.