સુરતઃ (Surat) શહેરના નામચીન બુટલેગર (Bootlegger) સલીમ ફ્રુટને ફરી એક વખત ક્રાઈમ બ્રાંચે (Crime Branch) 2.26 લાખના દારૂના (Alcohol) જથ્થા સાથે પકડી પાડ્યા હતા. દારૂ, કાર સહિત 22.36 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ત્રણની ધરપકડ કરી દમણથી માલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
- દમણથી હેરિયર કારમાં 2.26 લાખનો દારૂ લઈને આવતા સલીમ ફ્રુટની ધરપકડ
- ક્રાઈમ બ્રાંચે 2.26 લાખના દારૂ સાથે 20 લાખની કાર કબજે લઈ કાર્યવાહી કરી
ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરની ટાટા હેરીયર કારમાં દારૂ સંતાડીને વસ્તાદેવડી રોડ માધવબાગની ગલી સુરેશ મીલની સામેથી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી આ કારને પકડી પાડી હતી. કાર ચાલકનું નામ પુછતા પોતે સલીમ ઉર્ફે ફ્રુટ અનવરભાઈ ફ્રુટવાલા (ઉ.વ.40, રહે.સૈયદ રેસીડેન્સી ગોપીપુરા) હોવાનું જણાવ્યું હતું. કારમાં ડ્રાઈવર શીટની બાજુમાં બેસેલી વ્યક્તિનુ નામ પુછતા મોહમદ ઝુબેર મોહમદ હનીફ અંસારી (ઉ.વ.36, રહે. સૈયદપુરા) હોવાનું જણાવ્યું હતું.
બંનેની પુછપરછ કરતા તેઓ કારમાં દારૂનો જથ્થો લાલજી ઉર્ફે લાલો હીરાભાઈ સુમરાને આપવા જતા હતા. કારની પાછળ ચેક કરતા અલગ અલગ વિદેશી દારૂની કુલ2.26 લાખની કિમતની 852 દારૂની બોટલો મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચે દારૂની બોટલો તથા 20 લાખની કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 22.36 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ દારૂનો જથ્થો તેઓ દમણથી વિશાલ અમૃતલાલ પાસેથી લાવ્યા હતા. પોલીસે દમણના વિશાલને વોન્ટેડ જાહેર કરી બાકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નવસારી છાપરા રોડના ફલેટમાંથી ૫૬ હજારના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા, એક વોન્ટેડ
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે છાપરા રોડ તુલસીવનના એપાર્ટમેન્ટના ફલેટમાંથી 56 હજારના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડયા હતા. જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી છાપરા રોડ તુલસીવન સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલભાઈ સુમનભાઈ રાઠોડ અને દુધિયા તળાવ નુતન સોસાયટીમાં રહેતા પ્રતિક ઉર્ફે બબલુ વિજયભાઈ મિસ્ત્રીએ સમર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. એ/201 અને ફ્લેટ નં. સી/204 માં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ છાપો મારતા ૫૬ હજાર રૂપિયાની 56 વિદેશી દારૂની બોટલો મળી આવતા પ્રફુલભાઈ અને પ્રતિક ઉર્ફે બબલુને ઝડપી પાડયા હતા. જયારે પોલીસે નવસારી સિંધીકેમ્પ ત્રણ રસ્તા પાસે રહેતા વિમલભાઈ હસમુખભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.