સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) બાદથી શહેરના ઘણા વિસ્તારોમાં ભાજપ (BJP) વિરોધ (Protest) બેનરો લાગી રહ્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં સ્થાનિકો પ્રાથમિક સુવિધાના કામોથી વંચિત છે ત્યા લોકો હવે ભારોભાર આક્રોશ ઠાલવી રહ્યા છે. શહેરમાં વરાછા, કતારગામ, ગોપીપુરા, અડાજણ વિસ્તાર બાદ મોરાભાગળ વિસ્તારમાં પણ ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે અને બેનરમાં લખવામાં આવ્યું છે કે, ‘‘ભાજપને વોટ આપીને અમે ભૂલ કરી છે, ભાજપે આપેલા વચનો પાળ્યા નથી જેથી હવે ભાજપના કોઈ પણ નેતાએ અહી વોટ માંગવા આવવું નહી.’’
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મોરાભાગળ વિસ્તારમાં આવેલા ખડી ગામના મેદાન પાસે કુલ 2200 થી પણ વધુ સોસાયટીઓ આવેલી છે. આ 2200 સોસાયટી વચ્ચે એક ગામખરી મેદાન આવ્યું છે. અને તે બાબતે ભાજપ દ્વારા માત્ર ચૂંટણી વખતે વચનો આપવામાં આવ્યા હતા કે, મેદાન આસપાસ વિકાસના કામો કરાશે. પરંતુ આજદિન સુધી અહી કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
જેથી મોરાભાગળના સ્થાનિકોએ ભાજપ વિરોધી બેનરો લગાવી જણાવ્યું છે કે, ‘ભાજપને 25 વર્ષથી અમે વોટ આપીને ભૂલ કરી છે. ભાજપે અમને ચૂંટણી સમયે આપેલા વચનો પૂર્ણ કર્યા નથી. અને અમારા વિસ્તારમાં 2200થી વધુ સોસાયટીઓ વચ્ચે માત્ર એક ગામખરી મેદાન આવેલું છે. તે બાબતે ભાજપના નેતાઓએ આપેલા વચન પ્રમાણે કોઈ કામ કર્યુ નથી. જેથી ભાજપના કોઈ પણ નેતાએ અહી વોટની ભીખ માંગવા આવવું નહી.’
જાહેર બાંધકામ સમિતિમાં વિપક્ષનો આ કાર્યો પર વિરોધ
સુરત: સુરત મહાનગર પાલિકાની ખાસ સમિતિઓમાં મોટા ભાગે અંદાજો મંજૂર કરવાનાં કામો આવતાં હોય છે. આ સિવાયનાં જે કામો આવે છે તે 25 લાખ રૂપિયા સુધીનાં ટેન્ડરો અને અન્ય પરચૂરણ ખર્ચને મંજૂરી આપવાના હોય છે. તમામ સમિતિઓમાં શાસક પક્ષના જ વધુ સભ્યો હોય છે. તેથી તમામ કામો ભાજપ કાર્યાલયથી નક્કી થયા મુજબ ફટાફટ નિર્ણય લઇ અડધો કલાકમાં સમેટી લેવાતી હોય છે. પરંતુ બુધવારે સુરત મહાનગર પાલિકામાં મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી. કેમ કે, એજન્ડા ઉપરનાં 50 કામ પૈકી 29 કામ કલમ 73 ડી હેઠળ ટેન્ડર વગર થયેલા ખર્ચની જાણ લેવાના હતા. જે તમામ કામોમાં વિપક્ષ આમ આદમી પાર્ટીના બે સભ્ય દ્વારા ઝીણવટપૂર્વક પ્રશ્નો ઉઠાવતાં બેઠક દોઢ કલાકે પૂર્ણ થઇ હતી. તેમજ 28 કામમાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત 73 ડી હેઠળ કતારગામ ઝોનમાં ઝેરોક્ષ મશીનની કોપી પાછળ 15 લાખના ખર્ચને મંજૂરી આપવા માટેનું કામ હતું તે મુલતવી રાખવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો કે, 73 ડી હેઠળના મોટા ભાગનાં કામો એક-દોઢ વર્ષ પહેલાં થઇ ગયા છતાં હાલમાં જાણ લેવા માટે રજૂ થયાં છે. કામો ટેન્ડર વગર કરવાની શું જરૂર પડી અને આટલા મોડા કેમ જાણ માટે કામ રજૂ થયાં ? જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી પાટીલે જણાવ્યું કે, બેઠકમાં ઉધના વિજયાનગરમાં વેજિટેબલ શાકમાર્કેટ દૂર કરી રૂ.2.11 કરોડના ખર્ચે નવું વેન્ડિંગ માર્કેટ બનાવવા સહિતના કુલ 5.12 કરોડના વિવિધ કામોના અંદાજો મંજૂર કરવામાં આવ્યા હતા. અઠવા ઝોનમાં ભીમરાડ ગામથી ડાયમંડ બુર્સ જંક્શન, કતારગામ ઝોનમાં વરિયાવ તથા કોસાડ અને રાંદેરની સોસાયટીમાં રસ્તા બનાવવાનાં કામો ડિપાર્ટમેન્ટને પરત મોકલાયાં છે. આ તમામ રોડ સીસી રોડ બનાવવા નવેસરથી દરખાસ્ત રજૂ કરવા સૂચન કરાયું છે.