સુરત: (Surat) શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભાજપ (BJP) સામે વિરોધ પ્રદર્શન (Protest) અને ભાજપના વિરોધના બેનરો લગાવવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે રવિવારે વોર્ડ નં-૨૮માં સમાવિષ્ટ અને મનપાના દંડક વિનોદ પટેલના મત વિસ્તારમાં આવેલી ભેસ્તાનનીï જાનકી પાર્ક સોસાયટીમાં બેનર લાગતા ભાજપના નેતાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. એક બાજુ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાઇ રહેલા કાર્યકર્તાઓએ ચિંતા વધારી છે. તો બીજી બાજુ ભાજપના ગઢ માનાતા કોટ વિસ્તાર, અડાજણ વગેરે વિસ્તારોમાં ભાજપ વિરોધી બેનરો લાગવાનું શરૂ થતા ભાજપના નેતાઓનું ટેન્શન બેવડાયું છે.
જો કે આ મુદ્દે દંડક વિનોદ પટેલ દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે, આ સોસાયટીમાં આઇ.સી.ના નાણા મુદ્દે વિવાદ છે. રહીશો દ્વારા કે બિલ્ડર દ્વારા આઇ.સી.ના નાણા ભરવા મુદ્દે બાંહેધરી અપાતા રસ્તાનું કામ થઇ શકતું નથી. અમે મધ્યસ્થી કરીને આ મામલો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોણે ક્રોસ વોટિંગ કર્યુ તે બાબતે અટકળોનો માહોલ તેજ
સુરત : સુરત મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જ નગર સેવકો પાસે ક્રોસ વોટિંગ કરાવી 11માં સભ્યને જીત અપાવવામાં ભાજપને સફળતા મળી છે. ત્યારે સુરતના રાજકારણમાં મજબૂતાઇથી આગળ વધી રહેલા આમ આદમી પાર્ટીને પહેલી વખત ફટકો મારવામાં ભાજપ સફળ રહ્યું છે. તેથી આપના નેતાઓ વ્યથીત પણ થયા છે અને સાવચેત પણ થયા છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોણે ક્રોસ વોટિંગ કર્યુ તે બાબતે અટકળોનો માહોલ તેજ છે.
કોઇ પર સીધી શંકા થઇ શકે તેમ નથી. તેથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ફૂંકી ફૂંકીને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આપના તમામ નગરસેવકોના મોબાઇલ જમા લઇને ચેક પણ કરવામાં આવ્યા હતા, જેથી કોલ ડીટેઇલ કે મેસેજના માધ્યમથી કોઇ સુરાગ મળી શકે જો કે કોઇ સુરાગ મળ્યો કે નહી તે બાબતે હજુ કોઇ મગનું નામ મરી પાડતુ નથી. અત્રે ઉલ્લખનીય છે કે આપના તમામ નગર સેવકોને વોટિંગ કરે ત્યારે કોને મત આપ્યો તે જાણી શકાય તે માટે મોબાઇલ રેકોર્ડિંગ અને ફોટા લેવાનું કહેવાયું હતું પરંતુ એક સભ્યએ આપના ઉમેદવારને આઠ મતો આપી દઇને ફોટો લીધા બાદ ભાજપના ઉમેદવારને પણ વોટિંગ કરી દીધુ હતું જેથી તેના આઠેય મતો રદ થતા બાજી પલટાઇ હતી.