SURAT

સુરતમાં ભાજપના નેતાના ભાઈની દાદાગીરીનો વીડિયો વાયરલ: દિવ્યાંગ લારીવાળાને ડંડા માર્યા

સુરત(Surat): શહેરના ડિંડોલી વિસ્તારમાં ગરીબ દિવ્યાંગ કેળાની લારીવાળાને (Hawkers) જાહેરમાં રસ્તા પર ભાજપના (BJP) પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના નેતાના ભાઈ દ્વારા ડંડા માર્યાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રોડ પર લારી ઉભી રાખી કેળાં વેચતા દિવ્યાંગને મારીને પોતાની ધાક બેસાડવાનો પ્રયાસ કરતા ભાજપના નેતાના ભાઈનો વીડિયો સ્થાનિક રહીશોએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, જેના લીધે નેતાના ભાઈ પર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. વાયરલ વીડિયો જોઈ પોલીસ (Police) પણ સફાળી જાગી હતી અને વીડિયો પુરાવાના આધારે પૂર્વ કોર્પોરેટરના ભાઈ વિરુદ્ધ ડીંડોલી પોલીસે ગુનો (FIR) નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • ભાજપના પૂર્વ કોર્પોટેર અને શાસક પક્ષના નેતા દયાશંકર સિંઘના ભાઈની દાદાગીરી
  • કૃપા શંકર સિંઘે દિવ્યાંગ કેળાની લારીવાળાને જાહેરમાં લાકડીથી ફટકાર્યો
  • સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી વાયરલ કરી દેતાં પોલીસે ગુનો નોંધ્યો

ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર નજીકના જાહેર માર્ગ પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ જાહેરમાં કેળાંની લારીવાળા યુવકને ડંડા મારી રહ્યો છે. ધડાધડ ડંડા વીંઝતા શખ્સથી બચવા માટે યુવક હવાતિયાં મારે છે અને છોડી દેવા આજીજી કરે છે પરંતુ પેલો શખ્સ કશું જ સાંભળતો નથી. કેળાંની લારીવાળાને મારનાર શખ્સ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા દયાશંકરસિંહનો ભાઈ કૃપા શંકર હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા પર લારી મુકી કેળાં વેચનારથી ગુસ્સે ભરાઈને કૃપા શંકર તેને લાકડી લઈ મારવા ગયા હતા. તે લારી વાળાને ત્યાંથી દૂર જતો રહેવાનું કહીને માર્યો હતો. એક પછી એક યુવકને લાકડીના અનેક ફટકા મારી દીધા હતા.

આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો પણ ચોંકી ગયા હતા અને મોબાઈલ (Mobile) કાઢી વીડિયો બનાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડીંડોલી વિસ્તારમાં ભારે ચર્ચા ઉઠી હતી. કૃપા શંકરની દાદાગીરી વધી હોવાની વાતો થઈ હતી. કૃપા શંકર એક સામાન્ય દિવ્યાંગ લારીવાળાને મારવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top