સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election) રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણી લડવાની તૈયારીમાં જોતરાઈ ગયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરાઈ ચૂકી છે, પરંતુ હજુ ભાજપ દ્વારા યાદી બહાર પાડવામાં આવી નથી ત્યારે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખના શહેર સુરત ભાજપમાં રાજકારણ ગરમાયું છે. સુરત શહેર (Surat City) ભાજપના પૂર્વ પ્રમુખ પી.વી.એસ. શર્માએ પક્ષમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે.
- સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્માનું રાજીનામું
- પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો
- સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી
- અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે તેવી વહેતી થઈ અટકળો
પીવીએસ શર્મા (PVS Sharma) કયા પક્ષમાં જોડાવાના છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ હાલ તેઓએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હોવાનું સ્પષ્ટ થયું છે. પીવીએસ શર્મા ભાજપમાં છેલ્લાં 15 વર્ષથી સક્રિય હતા. તેઓ મનપાના કોર્પોરેટર, પાણી સમિતિના ચેરમેન અને શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકેની સેવા આપી ચૂક્યા છે. પીવીએસ શર્માએ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પીવીએસ શર્માએ રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલને (CR Patil) મોકલી આપ્યો છે.
રાજીનામામાં તેઓએ ચોક્કસ કારણોસર પાર્ટીના નેતૃત્વ દ્વારા કરાતા દ્વેષભાવથી વ્યથિત થઈ રાજીનામું આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ભારે મનોમંથનના અંતે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું તેઓએ પત્રમાં લખ્યું હતું. ત્યાર બાદ પીવીએસ શર્માએ સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી પોતે રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે પીવીએસ શર્મા ઈન્કમટેક્સ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે. નોકરી છોડી તેઓ રાજકારણમાં (Politics) જોડાયા હતા. કોરોના અને લોકડાઉન બાદ પીવીએસ શર્મા પર ઈન્કમટેક્સના(Income Tax) દરોડા (Raid) પડ્યા હતા, ત્યારે તેઓ ભારે વિવાદમાં (Controversy) આવ્યા હતા.
પીવીએસ શર્માએ ચૂંટણી ટાણે જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોય તેઓ અન્ય કોઈ પક્ષમાં જોડાય તેવી અટકળો પણ વહેતી થઈ છે. તેઓ લિંબાયત (Limbayat) વિધાનસભા બેઠક પરથી અન્ય કોઈ પક્ષમાંથી ચૂંટણી લડે તેવી ચર્ચા વહેતી થઈ છે. જોકે હજુ બધી અટકળો જ ચાલી રહી છે.