SURAT

સુરતમાં આપ-ભાજપ સામસામે: બજરંગ સેના દ્વારા ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન

સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ઘરે ભાજપ કાર્યકર્તાઓએ કરેલા હોબાળા બાદ ભાજપ અને આપ પાર્ટી સામસામે આવી ગઈ છે. બંને પાર્ટીના નેતાઓ એક બીજાર પર આરોપ પ્રતિઆરોપ કરી રહ્યાં છે. ત્યારે ઈટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે સુરતનું રાજકારણ વધુ ગરમાયું છે. ભાજપ દ્વારા રાજ્યભરમાં આપના કાર્યકર્તાઓ અને અધ્યક્ષનો વિરોધ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં (Protest) સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. પોલીસે બજરંગ સેનાના (Bajrang Sena) કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં.

બીજી તરફ આપના નેતા ઇસુદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે ગુંડા તત્વો લુખ્ખા તત્વો જેવા શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે જેને લઈને સુરત ભાજપમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. સુરતના વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આપના નેતાઓ ઉપર પલટવાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આપના નેતાઓની સાથે પાસ નેતાઓને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં ગોપાલ ઈટાલીયા તેમજ અન્યોએ તેમના ઘર અને કાર્યાલય પર હુમલા કરાવ્યાં હતાં.

કાનાણીએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમયે સમર્થકોના ટોળાવો અમારા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરીને મારી પત્ની અને પુત્રવધૂ સામે અશ્લીલ ગાળો બોલતા હતાં. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને એવા સંસ્કાર નથી કે, અમે કોઈને મારી નાખીએ. આપમાં જોડાયેલા મહેશ સવાણીના કાર્યક્રમમાં જ્યારે અમીત શાહ આવ્યા હતાં ત્યારે તે કાર્યક્રમોમાં કોણે તોફાન મચાવ્યું હતું તેવો સવાલ પણ કાનાણીએ આપ સમક્ષ મુક્યો હતો.

આ તરફ ગોડાદરામાં બજરંગ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન કરાયું હતું. ઘટનાની જાણ થતાંજ પોલીસે બજરંગ સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં. જણાવી દઈએ કે ગઈકાલે શનિવારે ગોપાલ ઇટાલીયાના ઘરની બહાર પ્રદર્શન કરી ટોળાએ તેમની માતા અને બહેનને ભયમાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં અમરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ દાખલ થઇ હતી. ગોપાલ ઇટાલીયાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આવનારા દિવસોમાં બંનો પક્ષોની શું પ્રતિક્રિયા રહેશે તે જોવું રહ્યું.

Most Popular

To Top