SURAT

આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો “આપ” પર આક્ષેપ: આઈસોલેશન સેન્ટરનાં નામે ફંડ ઉઘરાવી ખાઈ ગયા

સુરત: (Surat) આરોગ્યમંત્રી કુમાર કાનાણી આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે જેને લઈને ફરી ભાજપ અને આપ (BJP-AAP) વચ્ચે વિવાદ સર્જાયો છે. આઈસોલશન સેન્ટર્સ (Isolation Center) શરૂ કરવાના નામે ભાજપ અને આપ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ કર્યો છે. કુમાર કાનાણીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, કોરોનાકાળમાં ‘આપે’ આઇસોલેશન સેન્ટર ખોલીને ફંડ ઉઘરાવ્યા અને ભાગ વ્હેંચણી કરી છે. તેમણે કહ્યું કે, હજી તો હું દિલ્હીની કુંડળી કાઢી રહ્યો છું. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં અને સમગ્ર રાજ્યથી લઈને દેશમાં જે પ્રકારની કામગીરી કરાઈ રહી છે તેને લઈને કુમાર કાનાણીએ આપત્તી વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટીએ રુપિયા ઉઘરાવવા સિવાય બીજી કોઈ ભૂમિકા ભજવી નથી. લોકોની સેવા કરવાના નામે રૂપિયા ઉઘરાવીને આઇસોલેશન સેન્ટરમાં પોતાની હાજરી નોંધાવતા રહ્યા હતા તેવો આક્ષેપ તેમણે કર્યો છે. જેને લઈને હવે આપ પાર્ટી પણ મેદાનમાં આવી છે.

કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધી જતાં ઠેરઠેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાની ફરજ પડી હતી. આપ દ્વારા પણ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું કે સુરતમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરમાં આમ આદમી પાર્ટીની કોઈ મહત્વની ભૂમિકા ન હતી. કોઈ કોર્પોરેટરના હાઉસમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં નહોતા આવ્યા. મહાનગરપાલિકાના હોલમાં જ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતાં. દવાઓ મહાનગરપાલિકાએ આપી હતી, ઇન્જેકશન તેમજ અન્ય જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પણ મહાનગરપાલિકાએ જ પૂરી પાડી હતી. કાનાણીએ આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને નેતાઓએ માત્ર આઇસોલેશન સેન્ટર શરૂ કરવાના નામે ફંડ ઉઘરાવ્યો છે.

કાનાણીએ કહ્યું હતું કે આ વિવાદ ત્યાં સુધી પહોંચ્યો છે કે આઈસોલેશન સેન્ટરના નામે ઉઘરાણા કર્યા બાદ હવે પાર્ટીમાં તેનો ભાગ પાડવા બાબતે ઝઘડાઓ થતા હોવાનું લોકોની સામે આવ્યું છે જે શરમજનક બાબત છે. એક લાખ રૂપિયાના વહીવટમાં કોર્પોરેટરો આઇસોલેશન સેન્ટરમાં એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં હોય તેવું શહેરવાસીઓએ જોયું છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર અને ગુજરાતની સરકારમાં જે તફાવત છે તે લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ.

પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરીએ આપી પ્રતિક્રિયા

બીજી તરફ આ આક્ષેપ બાદ પાલિકાનાં વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે જે આઇસોલેશન સેન્ટર હતા તે ભાજપના નહોતા કોર્પોરેશનના હતા એ તો અમે પણ સ્વીકારીએ છીએ. અને સુરતની પ્રજાના પૈસે જ તે બનાવવામાં આવ્યા છે. તેથી પ્રજાની સેવા માટે તેનો ઉપયોગ કર્યો છે. અમારા એક પણ આઇસોલેશન સેન્ટરમાં અમે ઓક્સિજન ખૂટવા નહોતું દીધું. સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓ માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા જ્યારે આઇસોલેશન સેન્ટરમાં કોઈને દાખલ કરવા માટે ના પાડી ન હતી. બીજી તરફ ભંડેરીએ એમ પણ કહ્યું કે કાનાણીએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમણે કેટલા ઇન્જેક્શન આપ્યા અને કેટલા ના ભાવે આપ્યા, લોકોને ઓક્સિજન કેટલું પૂરું પાડ્યું હતું?

Most Popular

To Top