SURAT

સુરત: સરથાણામાં સગા સાઢુભાઇએ બીટકોઇન માટે સાઢુભાઈ સાથે રમી આ રમત

સુરત: (Surat) સરથાણામાં સગા સાઢુભાઇને ડુપ્લીકેટ સીબીઆઇ ઓફિસરના (CBI Officer) નામે ધમકાવીને અપહરણ કરવાના ગુના બાદ સમગ્ર પ્લાનિંગ કરનાર સગા નાના સાઢુભાઇની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. સગા સાઢુભાઇનું બિટકોઈન વોલેટનું આઇડી-પાસવર્ડ (ID-Passwords) ચોરી કરીને 410 બિટકોઈન (Bitcoin) ટ્રાન્સફર કરી લઇને 10 કરોડની રકમ આફ્રિકન કરન્સી તેમજ ઇન્ડિયન કરન્સી મારફતે લઇ લેવાઇ હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કાપોદ્રા સીમાડાનાકા પાસે જલદર્શન સોસાયટીમાં રહેતા દિપક દેવજીભાઇ વઘાસીયા ડિંડોલીના માર્ક પોઇન્ટ પાસે સુપર માર્ખેટનો વેપાર કરે છે. અને સરથાણાના ગોકુલ આર્કેડ શોપમાં શેરબજાર તેમજ ડિઝીટલ માર્કેટીંગનો વેપાર કરે છે. તેઓએ 2016માં તેમના સાઢુભાઇ વિજય સભાડીયાને રૂા.25 હજારના પગાર ઉપર નોકરીએ રાખ્યા હતા. વિજયે 16 મહિના સુધી ધંધાનું કામકાજ સંભાળ્યું હતું. સને-2017ના વર્ષમાં દિપકભાઇએ 410 બિટકોઇન ખરીદ કરી સ્ટોક કર્યો હતો. દરમિયાન ઓક્ટોબર-2017માં દિપકભાઇના ઓળખીતા હિતેશભાઇ ગોકળીયાએ 30 બિટકોઇન માંગ્યા હતા. ઓફિસનો કર્મચારી વિપુલ ગોધાણી ગેરહાજર હોવાથી દિપકભાઇએ તેમના સાઢુભાઇ વિજયને જાણ કરીને 30 બિટકોઇન હિતેશભાઇની આઇડીમાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

થોડા દિવસો બાદ વિજયએ પોતાના સગા ભાઇને ભદ્રેશને ક્વોરીના ધંધામાં જરૂર હોવાથી બિટકોઈનની ઓફિસ છોડી દેવા કહ્યું હતું. થોડા સમય પછી દિપકભાઇનું આઇડી ઓપન થતું ન હતું, તપાસ કરતા દિપકભાઇના આઇડીને હેક અથવા તો કોપી કરીને બીજું નવું એકાઉન્ટ ઓપન કરી તેમાં ટ્રાન્સફર કરી દેવાયા હોવાનું બિટકોઈન કંપની મારફતે જાણવા મળ્યું હતું. ત્યારબાદ દિપકભાઇએ તપાસ કરતા તમામ અમદાવાદના લખનભાઇ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ બિટકોઈન આફ્રિકાથી જગદીશભાઇ ઉકાણી મારફતે સોદો થયો હતો, અને 410 બિટકોઈનમાંથી 288 બિટકોઈન વેચીને 10.14 કરોડ મેળવ્યાની વિગતો પણ બહાર આવી હતી. આ રકમ આફ્રિકન અને ઇન્ડિયન કરન્સી મારફતે સુરતની આંકડીયા પેઢીમાં ટ્રાન્સફર થઇ હતી.

આ રકમ યોગેશ બલર નામના વ્યક્તિએ લીધી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ દરમિયાન દિપકભાઇએ અમદાવાદના લખનભાઇની ચેટ તપાસ કરતા તેમાંથી વિજય સભાડીયાનું મેઇલ આઇડી અને તેના ભાઇ ભદ્રેશનો મોબાઇલ નંબર મળ્યો હતો. અને સમગ્ર ઘટના બહાર આવી હતી. દિપકભાઇએ પોતાના પરિવારને વાત કરીને વિજય સભાડીયાએ આઇડી-પાસવર્ડ ચોરી 410 બિટકોઈન ચોરી લીધાની ફરિયાદ કરી હતી. પાછળથી વિજયએ પોતાની ભુલ સ્વીકારીને જમીનના દસ્તાવેજો કરી આપવા તેમજ બિટકોઈન વેચાણથી મેળવેલી રકમ પરત આપવાનું કહીને સમાધાન કરીને 2.33 કરોડની રકમ પરત આપી દીધી હતી અને બાકીની 7.31 કરોડની રકમ પરત નહીં આપીને ઢગાઇ કરી હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે નોંધી હતી.

વિજય સભાડીયાએ મોટા સાઢુભાઇને ભુલ થઇ હોવાનું જણાવ્યું હતું
દિપકભાઇએ આ અંગે પોતાના પરિવારને વાત કરીને વિજય સભાડીયાએ બિટકોઈન ચોરી લીધા હોવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારે વિજયએ બિટકોઈન આપવાની ના પાડી દીધી હતી. બાદમાં વિજયએ તેના મોટા સાઢુભાઇ ભરતભાઇ લીંબાચીયાને ફોન કરીને બિટકોઈન ચોરી કરીને ભુલ કરી હોવાનું કબૂલાત કરી સમાધાન કરવા માટે કહ્યું હતું. બાદમાં વિજયએ દિપકભાઇને જ ટેક્સ મેસેજ કરીને પોતાની ભુલ સ્વીકારી હતી અને માફી માંગવા ઇચ્છતા હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્યો વચ્ચે 288 બિટકોઈન વેચાણના રૂા.10.14 કરોડ પરત આપી દેવા તેમજ તેમાંથી જે જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે તે અંગેની માહિતી આપી સમાધાન કરવા જણાવ્યું હતું. બાદમાં બાકી રહેલા બિટકોઈન અંગે ત્રણ અલગ અલગ સમજૂતીના કરાર કરવામાં આવ્યા હતા. જેમાં રોકડ રકમનો, ક્વોરી અને લીઝના ધંધાનો અને વાહનો તેમજ મિલકતો અંગેનો સમજૂતીનો કરાર બનાવાયો હતો.

410 બિટકોઈનનો હિસાબ કેવી રીતે કર્યો
વિજય સભાડીયાએ ચોરી કરેલા 410 બિટકોઈનમાંથી 288 બિટકોઈન આફ્રિકામાં રહેતા જગદીશ ઉકાણી મારફતે સોદો કરી હિતેશભાઇને વેચાણ કર્યા હતા. બાકીના 122 કોઇનમાંથી 90 બિટકોઈન પોલોનીક્સ એક્ષચેન્જમાં રોકાણ ર્યા હતા અને બાકી રહેતા 32 બિટકોઈનમાંથી વિજયભાઇએ 20 બિટકોઈન દિપકભાઇને પરત આફીને બીજા 12 બિટકોઈન પોતાની પાસે રાખી મુક્યા હતા.

બિટકોઈનથી મેળવેલા રૂપિયામાં જમીનો ખરીદી લેવાઇ હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે વિજય સભાડીયાએ બિટકોઈન ચોરીને તેને વેચી દીધા બાદ અંદાજીત 10 કરોડ જેટલી મોટી રકમ હાથમાં આવી હતી. જેમાંથી વિજય સભાડીયા અને તેના પરિવારે પરિવારના અલગ અલગ સભ્યોના નામે જમીનો ખરીદી લીધી હતી. આ ઉપરાંત ક્વોરીના ધંધામાં બે ટ્રક તેમજ ફોરવ્હીલરમાં પણ રૂપિયા ભરી દીધા હતા. આ ઉપરાંત કેટલીક રકમ પોતાના સંબંધીઓને ઉછીની આપી હતી. આ તમામ વસ્તુઓ ભેગી કરીને વિજયએ રૂા.2.33 કરોડ પરત આપ્યા હતા અને બીજા રૂપિયા પરત આપ્યા ન હતા.

Most Popular

To Top