સુરત(Surat) : શહેરના ઘોડદોડ રોડ પર આવેલા બિશનદયાલ જ્વેલર્સમાં અનોખી લૂંટ થઈ છે. જ્વેલરીના શો-રૂમમાં ઘૂસ્યા વિના જ ચીટર કરોડો રૂપિયાના દાગીના લઈ છૂમંતર થઈ ગયો છે. નવાઈની વાત એ છે કે ઝવેરીએ જાતે જ પોતાના અને ગ્રાહકોના કરોડોના દાગીના ચીટરને આપ્યા હતા. લૂંટાઈ ગયાની જાણ થતાં બિશનદયાલ જ્વેલર્સના માલિકે ઉમરા પોલીસ મથકમાં મુંબઈના ઠગ વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ આપી છે.
શહેરના ઘોડદોડ પર બિશનદયાલ જવેલર્સ (BishanDayal Jewelers) નામની દુકાન ધરાવતા વેપારીએ સામે દિવાળીએ સિઝન આવતા લાખો રૂપિયાના સોનાના બિસ્કિટ તથા દાગીના બનાવવાનું મટીરીયલ, લુઝ ડાયમંડ, અલગ અલગ ગ્રાહકોમાં સોનાના દાગીના બનાવવા માટે આપ્યા હતા. જોકે મૂળ વેસ્ટ બંગાળ અને મુંબઈમાં જવેલરીની દુકાન ધરાવતા કારીગર 1.13 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈ દુકાન બંધ કરી ફરાર થઈ ગયો. હતો. બાદમાં વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાંની જાણ થતા તેઓએ ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
બનાવની વિગતો એવી છે કે શહેરના ઉમરા વિસ્તારમાં ઉમરીગર સ્કૂલની સામે આવેલ સાંકેત એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય નિશાંતભાઈ ટીંબરેવાલ ઘોડદોડ રોડ પર સરેલા શોપિંગ સેન્ટરમાં બિશનદયાલ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. નિશાંતભાઈ છેલ્લા દોઢ વર્ષથી મૂળ વેસ્ટ બંગાળના અને મુંબઈના નાગોરીવાડમાં રહેતા અને અલ્પના જવેલરી વર્કશોપ નામે ધંધો કરતા અભિજિત ચૈતાલી ઘોષ પાસે દાગીના બનાવડાવતા હતા.
છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર તેઓએ અભિજીતને દાગીના બનાવવાનું કામ આપ્યું હતું. અભિજીત પણ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન તમામ દાગીના સમયસર બનાવી આપતો હતો. આ રીતે અભિજીતે નિશાંત ભાઈને વિશ્વાસમાં લીધા હતા. દરમિયાન દિવાળી આવતા નિશાંતભાઈએ દુકાનમાંથી 34.40 લાખના સોનાના 7 બિસ્કીટ, સોનાના દાગીના બનાવવાનું મટીરીયલ્સ, 25 લાખના લૂઝ ડાયમંડ, 19 લાખનો સોનાનો નેક્લેસ સેટ (હાર -બુટ્ટી), 11.50 લાખની કિંમતના 14 કેરેટની ડાયમંડ જડિત સોનાની ત્રણ બંગડીઓ, મળી કુલ 89,92,200 રૂપિયાના દાગીના અને નિશાનભાઈના ગ્રાહકોના 23.૫૪ લાખના અલગ અલગ સોનાના તથા ડાયમંડ જતિ દાગીના તથા ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂપિયા 1,13,46,200 ના મતાની સોનાની દાગીના બનાવી આપવા તેમજ રીપેરીંગ માટે લીધા હતા. બાદમાં દુકાન બંધ કરીને મોબાઈલ પણ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
નિશાંત ડીંબરેવાલે મુંબઈ જઈ તપાસ કરતા તેની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1.13 કરોડની ઠગાઈનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ મામલે નિશાનભાઈએ જણાવ્યું હતું કે દિવાળીએ દાગીનાની ડિમાન્ડ વધુ રહે છે અને દાગીના બનાવવામાં એક મહિનાનો સમય લાગે છે જેથી હાલમાં તેને કામ સોંપી દેવામાં આવ્યું હતું અને તેના લાભ ઉઠાવી તે ફરાર થઇ ગયો હતો..