સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકાના અલથાણ-બમરોલી બ્રીજથી ભીમરાડ-બમરોલી બ્રીજ સુધીનાં વિસ્તારમાં ખાડી કિનારે મનપાની વિશાળ જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનાવાનું આયોજન છે. જેની ઘણી ખરી હાલમાં થઈ ગઈ છે અને બાકીની કામગીરી ચાલી રહી છે. આવનારા ભવિષ્યમાં શહેરના વિસ્તરણની સાથે સાથે વસતી પણ વધશે ત્યારે પર્યાવરણની જાળવણી પણ તેટલી જ આવશ્યક છે. જેથી મનપા દ્વારા શહેરમાં અર્બન ફોરેસ્ટનું (Urban Forest) આયોજન કરાયું છે. આ વિશાળ પાર્ક સાકાર થવાથી કુલ 86 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું જંગલ (Jungle) શહેરમાં હશે. જે ગુજરાતનું સૌપ્રથમ બાયોડાયવર્સિટી પાર્ક બનશે. અને જેથી સુરતીઓ માટે હરવા ફરવાનું એક નવું સ્થળ પણ મળી રહેશે. સાથે સાથે આ પાર્કમાં પુરાતન કાળમાં સુરતમાં જે વૃક્ષો હોવાનો ઉલ્લેખ છે તે વૃક્ષો પણ ફરીથી પુન:જીવીત કરવા આયોજન કરાયું છે.
આ પાર્કમાં કુલ પાંચ ટી.પીનો વિસ્તારનો સમાવેશ કરાયો છે. જેમાં બમરોલી ટી.પીસ્કીમ નં. 58, ફા.પ્લોટ નં. 186. 187,188,189, 151/એ,બી,સી, ટી.પી સ્કીમ નં. 72 માં ફા.પ્લોટ નં. 110, 133, અલથાણ-ભટાર ટી.પી સ્કીમ નં. 28 ફા. પ્લોટ નં. 161, અલથાણ-સાઉથ ટી.પી સ્કીમ નં. 37, ફા. પ્લોટ નં. 126 થી 130 તેમજ ભીમરાડ ટી.પી સ્કીમ નં. 43 , ફા. પ્લોટ નં. 83 વાળી જમીન પર બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ પાર્કના નિર્માણ બાદ શહેરમાં ઍક ગ્રીન બેલ્ટ તૈયાર થશે. જે અર્બન ફોરેસ્ટ તરીકે જાણીતું થશે.
બાયોડાયવર્સિટી પાર્ક કેવું હશે?
આ પાર્ક કુલ અલથાણ ખાડી કિનારે ડેવલપ કરવામાં આવી રહય છે. જેમાં ખાડી(40હેક્ટર) સહિત કુલ 126 હેક્ટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. અને પ્લાન્ટેશન કુલ 86 હેક્ટરમાં થશે. કુલ 6 લાખ રોપાઓ રોપાશે. કુલ 85 જાતિના રોપાઓ અહી હશે. તે ઉપરાંત અહી સાયકલ ટ્રેક, જાગિંગ ટ્રેક, તળાવ, ઍમ્યુઝમેન્ટ પાર્ક, ડીસ્કવરી સેન્ટર, બર્ડ વોચીંગ ટાવર પણ હશે.
કેન્દ્ર સરકાર 80 કરોડ ગ્રાન્ટ આપશે
કુલ રૂ. 108કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. જે માટે કેન્દ્ર સરકારમાંથી મનપાને કુલ 80 કરોડની ગ્રાન્ટ મળશે, જે માટેનું જરૂરી સર્ટી કેન્દ્રિય મંત્રી અરજીતસિંહ પુરીના હસ્તે આપી દેવામાં આવ્યું છે. જે પૈકી અત્યાર સુધીમાં 8 કરોડ કેન્દ્ર સરકારે મનપાને ફાળવી દીધા છે.
તજજ્ઞો પાસેથી તૈયાર કરાયેલા અસ્સલ સુરતના જુના વૃક્ષો
આ પાર્કમાં અસ્સલ જુના વૃક્ષો રોપવામાં આવશે. કારણ કે, સુરતમાં વર્ષો પહેલા ઘણા ઍવા વૃક્ષો હતા જે હવે લુપત થઈ ગયા છે. જેથી મનપા દ્વારા શહેરના તજજ્ઞો પાસેથી તેવા વૃક્ષોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જે અહી લગાવાશે, તમામ ૮૫ પ્રકારના વૃક્ષો ઍવા જુના જ હશે જે સુરતમાં ઘણા સમય પહેલા હતા. જેમ કે, ચંપક, સુર્યકમળ, ઝીણી થુણી, પારસ પીપળો, કડામો, અરડુસો, હાડસાંકળ, અરીઠા, શિગ્ર, દિવેલી, જળપીપળી, વીકા, વ્રજદંતી, અરંમુલા, સિરિસ, તમરૂ, સફેદ બબુલ, સેલાઈ, ચારલ, બીયો, પતરાળી, ટેટું, કડાયો તેમજ ઘણા અૌષધિય ગુણધર્મો વાળા જેવા કે, મોધળ, હળવદન, ધાવડો, મધુનશિની, ઈન્દ્રજાલે, જ્યોતિશ્મતિ ,ખસ, તિવાર, પીલુ, બુમદાસ, મેશ્વાક ઍવા વિવિધ ૮૫ જાતિના વૃક્ષો હશે, જે ઉપયોગી અને લાભદાયી હશે. સારી મહેક વાળા અને વધુ માત્રામાં ઓક્સિજન આપતા વૃક્ષો પણ અહી હશે.
પ્રાણીઓને આકર્ષિત કરવાના પ્રયાસો કરાશે
પાર્કમા વધુ ને વધુ પક્ષીઓ આકર્ષિત થાય તે માટેના પ્રયાસો કરાશે, જેમ કે, પાણી કઈ રીતે પક્ષીઅોને આકર્ષિત કરી શકે તે માટે વોટર ફાઉન્ટેશન, મુવિંગ વોટર સાઉન્ડ કે મડ પુડિંગ વિકસીત કરાશે. તેમજ વિવિધ પ્રકારના શેલ્ટર બનાવાશે જેમ કે, ઈન્સેક્ટ હાઉસ, બેટલ બેંક, રોક પાઈલ્સ, નેટિવ ગ્રાસલેન્ડ વગેરે. જેથી પક્ષીઓ અહી વસવાટ કરતા થાય. અને આ પક્ષીઅોને જાઈ શકાય તે માટે ઉંચુ બર્ડ વોચિંગ ટાવર બનાવાશે. તેમજ વરસાદનું પાણી ઍકત્રિત થાય તેવી જગ્યા પણ વિકસાવાશે.
આર્ટીફીશીયલ ફલોટીંગ આઈસલેન્ડ અને ગ્રીન વોલ પણ વિકસાવાશે
પાર્કમાં આર્ટીફીશીયલ ફલોટીંગ આઈસલેન્ડ બનાવાશે. ઍટલે કે, પાણીની મધ્યમાં તરતી અમુક વનસ્પતિઅો હશે. જે પાણી અને વન્યપ્રાણીસૃષ્ટિ માટે ફાયદાકારક હોય છે. જે પાણીના શુધ્ધિકરણ માટે ઉપયોગી હોય છે. તેમજ પાણીમાં થતી શેવાળની વૃધ્ધિ પણ અટકાવે છે. તેમજ પાર્કના સર્વિસરોડની બંને બાજુ ગ્રીન વોલ તૈયાર કરાશે.
પાર્કના મેઈન્ટેનન્સ માટે એનજીઓ સાથે સંપર્ક કરાશે
પાર્ક ખુબ મોટો હોય તેના મેઈન્ટેનન્સ માટે મનપા શહેરની પર્યાવરણ સાથે સંકળાયેલી એનજીઓને પણ આગળ આવવા માટૈ અપીલ કરાશે, જેથી પાર્કની યોગ્ય જાળવણી પણ થશે. તેમજ અહી ફુડ કોર્ટ, બાઈસીકલ શેરીંગ, પાર્કીંગ ચાર્જમાંથી પણ થશે. આ ઉપરાંત સીઍસઆર(કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી) માંથી પણ ફંડીગ મેળવાશે અને બાગાયત માટે ટ્રીટ કરેલા ગટરના પાણીનો ઉપયોગ કરીને પર્યાવરણ સુધારણા ચાર્જ દ્વારા ધિરાણ મેળવી શકાશે.
પાર્કના ફાયદા
ખાડી કિનારાના આસપાસના વિસ્તારમાં આમ તો ગંદકીનું ન્યુસન્સ રહેતું હોય છે. પરંતુ અહી આ મોટો પાર્ક વિકસીત કરીને ફરવાલાયક સ્થળ તેમજ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની કામગીરી કરાશે. જેથી પ્રદુષણ પણ અોછું થશે. હવાનું મોટી માત્રામાં શુધ્ધિકરણ થશે. ખાડીની દુર્ગંધ જશે. વરસાદી પાણીનો સંગ્રહ પણ અહી થશે.
હાઈલાઈટ્સ
- -પ્રોજેક્ટ કોસ્ટઃ 108 કરોડ
- -એરિયાઃ ખાડી સહિત 126 હેક્ટર, 86 હેક્ટર વિસ્તારમાં પ્લાન્ટેશન ઍન્ડ ડેવલપમેન્ટ
- -વૃક્ષોની સંખ્યાઃ 6 લાખ
- -વૃક્ષોની વિવિધતાઃ 85 પ્રકારના રોપાઓ
- -કુલ પાંચ તબક્કામાં કામગીરી થઈ રહી છે
બાયોડાયવર્સિટી પાર્કમાં નજરાણા
- -સુરતના અસલ જૂના વૃક્ષો જે હવે લુપ્ત થઈ ગયા છે
- -ચીલ્ડ્રન પ્લે ઍરિયા, સિનીયર સિટીઝન કોર્નર, બાઈસિકલ ટ્રેક
- -નેચર ટ્રેલ્સ, જાગીંગ ટ્રેક
- -તળાવો
- -ફૂડકોર્ટ
- -મલ્ટી ઍક્ટીવીટી પેવેલિયન
- -આર્ટિસ્ટિક સ્કલપચર
- -બ્રીજ બ્યુટિફિકેશન
- -છઠ પૂજા માટે વ્યવસ્થા
- -બર્ડ વોટિંગ ટાવર
- -બટરફલાય કન્ઝર્વેટરી
- -ક્લાઈમ્બર ફોરેસ્ટ