સુરત: (Surat) યુવાનોમાં હાર્ટ એકેટથી (Heart Attack) મોત થવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ રમતા, ડાન્સ (Dance) કરતા, કસરત કરતા, ચાલતા-ચાલતા તેમજ બાઇક પર જતા-જતા યુવાનોને હાર્ટ એટેક આવવાથી તેમના મોત નિપજવાના બનાવો બન્યા છે. તેવામાં ખટોદરામાં ગતરોજ આવાજ એક બનાવમાં આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે.
સુરતમાં અચાનક હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે. ગતરોજ સાંજે સુરતના ખટોદરા વિસ્તારમાં ભત્રીજા સાથે મોપેડ પર પાછળ બેસીને જતા 35 વર્ષિય યુવકને હાર્ટ એટેક આવતા મોપેડ પરથી નીચે પટકાયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલ અને ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ઉધના દરવાજા ખાતે રહેતો કાનસિંહ પુરનસિંહ રાજપુત( 35 વર્ષ) મૂળ રાજસ્થાનનો વતની છે. કાનસિંહ રાજસ્થાનની અવાર-નવાર સુરત આવીને અહીંથી કાપડ ખરીદીને રાજસ્થાનમાં વેપાર કરતો હતો. હાલમાં પણ કાનસિંહ ચાર દિવસ પહેલા રાજસ્થાનથી સુરત આવ્યો હતો. અહીં ઉધના દરવાજા પાસે તેના ભત્રીજા સાથે રોકાયો હતો. કાનસિંહ ગતરોજ સાંજે તેના ભત્રીજા લક્ષ્મણ સાથે મોપેડ પર બેસીને ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે કાનસિંહ અચાનક મોપેડ પરથી નીચે પટકાયો હતો.
કાનસિંહને આખા શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. મોપેડની સ્પીડ ઓછી હોવાથી ઓછી ઇજા થઈ હતી. કાનસિંહે લક્ષ્મણને કહ્યું કે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો છે. લક્ષ્મણે 108 એમ્બ્યૂલન્સ જાણ કરી હતી. 108 એમ્બ્યૂલન્સમાં કાનસિંહને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે કાનસિંહને મૃત જાહેર કર્યો હતો. મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ ડોક્ટરે પણ હાર્ટ એટેક આવાની સંભાવના વ્યક્ત કરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે કાનસિંહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.