SURAT

ભેસ્તાન સરસ્વતી આવાસના રહીશો દુર્ઘટના બાદ પણ હટવા તૈયાર નથી! નળ-ગટર જોડાણ કપાય તો આવાસો ખાલી થાય

સુરત: (Surat) ભેસ્તાનનાં જર્જરીત આવાસોમાં (Bhestan Awas) પ્લાસ્ટરના પોપડા પડતાં માસૂમ બાળકીનું મોત થયા બાદ પણ અહીંના રહીશો મનપા દ્વારા ફાળવવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થા સ્વીકારી હંગામી સ્થળાંતર માટે રાજી થયા નથી. સતત બીજા દિવસે સ્થળાંતર માટે ગયેલી મનપાની ટીમનો (Corporaton Team) વિરોધ કરી સ્થળાંતરની શરૂઆત થવા દીધી ન હતી. રોજ નવી નવી માંગણી સાથે અહીંના રહીશો મનપાના તંત્રને ચલકચલાણું રમાડી રહ્યા છે. મનપા અહીંના રહીશો પૈકી મુસ્લિમ સમાજના પરિવારોને ભેસ્તાનનાં અન્ય આવાસો અને હિન્દુ પરિવારોને વડોદના રિપેર કરાયેલાં આવાસોમાં સિફ્ટ કરી જર્જરીત આવાસોને રિ-ડેવલેપ કરવા માંગે છે. જો કે, જર્જરીત 347 આવાસના રહીશોનું ટોકન અપાયા બાદ પણ હજુ સિફ્ટિંગ થઇ શક્યું નથી. આથી હવે અહીં પાણી અને ગટરનાં કનેક્શન (Water And Sewer connection) કાપી નંખાય તો જ આ રહીશો અહીંથી જવા તૈયાર થાય તેવું અધિકારીઓનું માનવું છે.

  • સતત બીજા દિવસે સ્થળાંતર માટે ગયેલી મનપાની ટીમનો વિરોધ કરાયો
  • હવે નળ-ગટર જોડાણ કપાય તો જ આ આવાસો ખાલી થઈ શકે
  • કોંગ્રેસનો આક્ષેપ- બાંધકામ 6 જ વર્ષમાં તૂટી રહ્યું હોવાથી આવાસોના બાંધકામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે

આવાસ બનાવવામાં કરોડોનું કૌભાંડ થયું, માનવ વધનો ગુનો દાખલ કરો: કોંગ્રેસ

બીજી તરફ આ આવાસો બનાવવામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો સાથે આજે કોંગ્રેસ દ્વારા પો.કમિ. અને કલેકટરના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતમાં કોંગ્રેસના પ્રમુખ નૈષધ દેસાઈ અને પૂર્વ ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, 2012માં આ આવાસોનું બાંધકામ શરૂ થયું હતું અને 2014માં પુરૂં થયું હતું. આરસીસી બાંધકામની ગેરંટી 50 વર્ષની હોય છે પરંતુ આ બાંધકામ 6 જ વર્ષમાં તૂટી રહ્યું હોવાથી આવાસોના બાંધકામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. બેના મોત થયા હોવાથી આ બાંધકામ બદલ તત્કાલિન બાંધકામ સમિતીના ચેરમેન, કાર્યપાલક ઈજનેર સહિત મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ.

Most Popular

To Top