ખેડૂતો વિરૂદ્ધના કાળા કાયદાના વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે. આજે ઓલપાડ અને કામરેજ હાઈવે પર ખેડૂતો તથા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો રાખવામાં આવ્યા હતા. ઓલપાડમાં ખેડૂતોએ નારેબાજી શરૂ કરી ત્યારે જ પોલીસે અટકાયત કરી લીધી હતી, જ્યારે કામરેજ હાઈવે પર આમ આદમી પાર્ટીના કાર્યકરો ટાયર મૂકી ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસે 50થી વધુની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ખેડૂત પર લગાવેલ કાળા કાયદા ખેંચવા બાબત છેલ્લાં ઘણા સમયથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવા માં આવે છે. તે આંદોલન દ્વારા આજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના સંદર્ભે આજે સુરતમાં આમ આદમી પાર્ટીની કામરેજ તાલુકા ટીમ, આમ આદમી પાર્ટી સુરત જિલ્લા ટીમ, ખેડૂત સમાજ દ્વારા હાઇવે પર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં 50થી વધારે લોકોની કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
જેમાં આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકાના પ્રમુખ સંજય રાદડીયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જગદીશ કથીરિયા, આમ આદમી પાર્ટી કામરેજ તાલુકા સંગઠન મંત્રી ભાવેશ રાદડીયા, આમ આદમી પાર્ટી સુરત જિલ્લા ટીમના અનંત પટેલ, નરેશ વિરાણી તેમજ ખેડૂત સમાજ સુરત ના પરિમલ પટેલ સહિતનાઓનો સમાવેશ થાય છે. આ તરફ ઓલપાડના મુખ્ય બજારમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે. ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ(પાલ),રમેશ પટેલ (ઓરમા),દર્શન નાયક,જ્યેન્દ્ર દેસાઈ,શબ્બીર મલેક, યોગેન્દ્ર પટેલની ઓલપાડ પોલીસે અટકાયત કરી છે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાત ખેડૂત સમન્વય સમિતિ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ ઇન્ટુક, આઇટુક સહિતના સંગઠનોએ આવતી કાલના ભારત બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ અમદાવાદના લાલ દરવાજા ખાતે યોજવાની જાહેરાત કરી હતી.. ખેડૂત સમન્વય સમિતિના કન્વીનર જયેશ પટેલ (પાલ) અને ડાહ્યાભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકે ખેડૂત આગેવાનો ત્રણ કાળા કાયદાઓ સામે દેખાવો યોજી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ (ઓરમા)એ જણાવ્યું હતું કે સંયુકત કિસાન મોર્ચાએ કરેલી અપીલને પગલે સુરત જિલ્લાના તાલુકાઓમાં તથા દક્ષિણ ગુજરાતમાં ખેડૂત આગેવાનો અને મજૂર આગેવાનો દેખાવો યોજી રહ્યાં છે.
સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના સેક્રેટરી જૈમિન દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સાથે સાથે વર્ષોથી પેન્ડિંગ પડેલી ટ્રેડ યુનિયનની માંગણીઓ કેન્દ્ર સરકારને ધ્યાને ચડે તમામ કેન્દ્રિય ટ્રેડ યુનિયનઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. નવો કૃષિ કાયદો અમલમાં આવે તે પહેલા જ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એપીએમસીઓ બંધ થવા લાગી છે અને તેના કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવી રહ્યા છે.