SURAT

સુરતમાં ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઉમટ્યું માનવ મહેરામણ

સુરત: (Surat) સુરતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ (Jagannath), ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિક ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા હતાં. સુરતનાં વરાછા વિસ્તારમાં ભવ્ય રથ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra) નિકળી હતી. જેમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. તો બીજી તરફ બપોરે 3.00 વાગ્યા બાદ સુરતના સ્ટેશન વિસ્તારમાંથી ઇસ્કોન મંદિર (Temple) દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી. સુરતમાં અન્ય સ્થળોએથી પણ રથયાત્રા નિકળી હતી. લોકોએ મગનો પ્રસાદ વહેંચીને જગન્નાથ યાત્રાની ઉવજણી કરી હતી.

અષાઢી બીજના દિવસે મંગળવારે શહેરમાં વિવિધ પાંચ જગ્યાએથી રથયાત્રા નિકળી હતી. જેમાં છેલ્લા 27 વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા આયોજીત કરવામાં આવતી રથયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરમાં જગન્નાથ રથયાત્રાનું સૌથી મોટું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરાય છે. વરાછા વિસ્તારમાં ભવ્ય રથ સાથે યાત્રા નિકળી હતી. તો બીજી તરફ સચિન વિસ્તારમાં ઓડીસાવાસી દ્વારા પણ પરંપરાગત જગન્નાથ પૂરીની રથયાત્રાની જેમ નાનું જગન્નાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 

સુરત રેલવે સ્ટેશન વિસ્તારથી શરૂ થયેલી રથયાત્રાનાં સમગ્ર રૂટ પર બંને તરફ લોકોની ભીડ જામી ગઈ હતી. મેયર હેમાલી બોઘાવાલાએ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. સાંજે લગભગ 6 કલાકે આ રથયાત્રા મજૂરાગેટ પહોંચી હતી જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં સમગ્ર રૂટ પર ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ વરાછા વિસ્તારમાં પણ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. વરાછાના માનગઢ ચોક ખાતે મહાઆરતી કરી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. વરાછાના મીનીબજાર વિસ્તારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને સરથાણા જકાતનાકા સુધી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યાં હતા. વરાછાની રથયાત્રામાં ભગવાનનો રથ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ઇસ્કોન મંદિરમાં ટ્રકની નીચેના ભાગ પર ભગવાન જગન્નાથજીનો ભવ્ય રથ તૈયાર કરાયો હતો.

વરાછા વિસ્તારમાંથી નિકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં મહિલા ભકતો રથની સાથે સાથે ચાલતા પ્રસાદની વહેંચણી કરી રહ્યાં હતાં. જય જગન્નાથના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રથ યાત્રામાં 3947 પોલીસ જવાનો ઉપરાંત 1 એચઆરપી ટીમ કાર્યરત જોડાઈ હતી. વરાછામાં માનગઢ ચોકથી કાપોદ્રા, બરોડા પ્રિસ્ટેજ, ઉત્રાણ, વીઆઇપી સર્કલ થઇ સરથાણા નેચર પાર્ક પાસે રથયાત્રા સમાપ્ત કરવામાં આવશે. અહીં રથયાત્રાના રૂટના દરેક વિસ્તારમાં જનમેદની ઉમટી હતી.

Most Popular

To Top