સુરત: (Surat) વરાછા ઝોનમાં અશ્વીનીકુમાર રોડ પર મનપાના દબાણ વિભાગનો (Corporation Staff) સ્ટાફ લારી-ગલ્લા, પાથરણાના દબાણો દુર કરવા પહોંચ્યો હતો. જેને લઈને લારી ગલ્લા વાળાઓ વિફર્યા હતા. મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા જ દબાણકર્તાઓએ વિરોધ શરૂ કર્યો હતો અને દબાણ વિભાગની ગાડીઓ આગળ જ સુઈ ગયા હતા અને દબાણ ખસેડવા દીધા ન હતા. ભારે હોબાળો થતા મેયર (Mayor) અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. દબાણકર્તાઓ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની ગાડીને ઘેરી વળ્યા હતા. લારી ગલ્લાવાળાઓએ (Sellers) રોષ ઠાલવતાં કહ્યું હતું કે, ‘‘આજે તમે અમારા લારી-ગલ્લા હટાવી, અમારી રોજી-રોટી છીનવીને અમને ભિખારી (Beggar) બનાવી રહ્યા છો, પણ કાલે તમે વોટ (Vote) માંગવા આવો ત્યારે જુઓ અમે તમને કેવા ભિખારી બનાવીએ છીએ.’’
સુરત મનપા દ્વારા શહેરમાં દબાણો દુર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ દબાણકર્તાઓ સતત વિરોધ કરી મનપાને દબાણ હટાવવા દેતી નથી. વરાછા વિસ્તારમાં અશ્વનીકુમાર રોડ પર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રુટની લારીઓ ઉભી રહે છે. આ વિસ્તારમાં લારીવાળાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ હોવાથી મનપા દ્વારા મંગળવારે ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. મનપાના દબાણ વિભાગના કર્મચારીઓ વાહન લઈને દબાણ દુર કરવાની કામગીરી કરતાં હતા તેની સાથે જ દબાણ કરનારાઓ પાલિકાના વાહન આગળ સુઈ ગયાં હતા અને દબાણ હટાવવા દીધા ન હતા. અને કહી દીધું હતું કે, અમારી લાશ પડે પછી લારી જપ્ત કરજો.. જેવી વાત કરતાં માહોલ ગરમાયો હતો.
જેથી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. દબાણ કરનારાઓએ મેયરને ફરીયાદ કરી હતી કે, દબાણ વિભાગ દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ થવી જોઈએ. મેયરે તેઓને કહ્યું હતું કે, આ અંગે તમે એક પણ વખત અમને રજુઆત કરી નથી તમે ઓફિસમાં આવીને રજુઆત કરી શકો છો. અહીં ગેરકાયદે લારીઓ ઉભી રાખીને ન્યુસન્સ કરવાના બદલે તમને જગ્યા ફાળવવા માટેની કામગીરી કરવામા આવશે. તો બીજી બાજુ સ્થાયી અધ્યક્ષની ગાડી દબાણ કરનારાઓએ ઘેરી લીધી હતી.