SURAT

સુરત બન્યું બેસ્ટ પરર્ફોમિંગ સ્માર્ટ સિટી: રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો

સુરત(Surat) : સ્માર્ટ સિટી (SmartCity) કેટેગરીમાં સુરતને બીજા ક્રમનો એવોર્ડ (Award) મળ્યો છે. આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. સુરત શહેર તરફથી સુરત મનપાના મેયર દક્ષેશ માવાણી અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે એવોર્ડ સ્વીકાર્યો હતો.

સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા તમામ 100 સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવાનાં હેતુથી ‘ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC)’ નું આયોજન કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022 (ISAC 2022) માં સક્રિયરૂપે ભાગ લીધો હતો. બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી એવોર્ડ, પ્રોજેક્ટ એવોર્ડ, ઇનોવેશન એવોર્ડ તેમજ પાર્ટનર એવોર્ડ કેટેગરીઓમાં વિવિધ નોમિનેશનો કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત આજ રોજ તા.27-9-2023ના રોજ બુધવારે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર ખાતે ‘ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ કોન્કલેવ 2023’ ઇવેન્ટ અંતર્ગત ISAC 2022ની એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન ભારત દેશનાં મહમાહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય પ્રદેશના ગર્વનર મંગુભાઇ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી તેમજ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યકક્ષાના મંત્રી કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યાં હતાં.

આ એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની દરમિયાન દેશનાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાને ‘બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી’ કેટેગરીમાં તમામ સ્માર્ટ સિટીઓમાં દ્રિતીય ક્રમ મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ તેમજ ISAC 2022 ની ‘પ્રોજેક્ટ એવોર્ડ’ અને ‘ઇનોવેશન એવોર્ડ’ કેટેગરીઓમાં કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

આ કેટેગરીમાં સુરતને એવોર્ડ મળ્યા

  • ICCC: Business Model કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ICCC હેઠળ કરવામાં આવતી વિશેષ કામગીરીઓ બદલ એવોર્ડ
  • Innovative Idea કેટેગરીમાં અનુવ્રત કેનાલ કોરીડોરનાં ડેવલપમેન્ટ તેમજ આત્મનિર્ભર બનાવવાના ફાઇનાન્સીયલી સસ્ટેનેબલ મોડેલને એવોર્ડ
  • Covid Innovation કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા COVID-19 પેન્ડેમિક દરમ્યાન લેવામાં આવેલ વિવિધ અસરાત્મક ઇનિશિયેટિવસ તેમજ કરવામાં ઉમદા કામગીરીઓ બદલ એવોર્ડ

સદર એવોર્ડ પ્રાપ્ત સ્વીકારવા સુરત શહેરના માનનીય મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત મહાનગરપાલિકાનાં માનનીય કમિશનર શાલીની અગ્રવાલ (આઈ.એ.એસ.) તેમજ ડેપ્યુટી કમિશનર અને સુરત સ્માર્ટ સિટીનાં સી.ઈ.ઓ. સ્વાતીબેન દેસાઈ ઈન્દોર ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

‘ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ કોન્કલેવ 2023’ ઇવેન્ટ એક્ઝીબીશનમાં સુરત સ્માર્ટ સિટીનો સ્ટોલ પણ બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટિઝ મિશન હેઠળ કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટોની વિગતો તેમજ સુરત સ્માર્ટ સિટીનું 3D મોડલ ‘Surat Smart City – Connecting Past to Future’ ને પ્રદશિત કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top