Columns

સુરત બન્યું જંગ-એ-મેદાન!!

ગુજરાત આખું એક બાજુ અને સુરત એક બાજુ! ગુજરાતમાં ચૂંટણીજંગ તેની પરાકાષ્ઠા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સુરત દેશભરના રાજકીય વિષયમાં રસ ધરાવતા લોકો માટે કેન્દ્ર બની ગયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર ગુજરાતમાં પાર્ટીને સમર્થન મળી રહ્યું હોવાનો દાવો ભલે કરી રહ્યા હોય પણ ચૂંટણી માટે પસંદ કરાયેલા ઉમેદવારોની યાદી જોવામાં આવે તો AAPના ગુજરાતમાં ચહેરો ગણાતાં ગોપાલ ઈટાલિયા સહિતના ‘મોટાં માથાં’ સુરતથી ચૂંટણી મેદાને ઝંપલાવી પાર્ટીની જીત સુનિશ્ચિત કરવામાં લાગેલા છે. આ બધાની વચ્ચે ગુજરાતનું આ શહેર જંગ-એ-મેદાનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની ગયું છે. ગુજરાતમાં BJP અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે પણ સુરતમાં તસવીર સાવ નોખી છે. અહીં BJP, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જામ્યો છે. જો કે ગુજરાતમાં પહેલી વાર સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીના અમુક નિર્ણયોએ રાજકીય પંડિતોને ચોંકાવ્યા છે.

આજથી થોડો સમય પહેલાં આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. અગાઉ સુરત પાલિકાની ચૂંટણીમાં મળેલી જીતને મુખ્ય બળ ગણીને આમ આદમી પાર્ટીએ સુરત પાલિકાની પાર્ટી સુધી સીમિત નહીં રહીને સમગ્ર રાજ્યમાં છવાઈ જવા માટેની તૈયારીઓ કરી હતી. અન્ય પાર્ટીઓની તુલનાએ સૌથી ઝડપી ઉમેદવારો પણ ડિક્લેર કરી દેવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે AAPના નેતાઓ જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં સત્તામાં રહેલાં મોટાં માથાં સામે ચૂંટણી જંગમાં ઊતરતાં હોય છે. ભૂતકાળમાં વારાણસીમાં કેજરીવાલ પણ મોદી સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે, AAPએ આ સ્ટ્રેટેજી ગુજરાતમાં બદલી છે. આમ આદમી પાર્ટીએ પાટીદાર પ્રભુત્વવાળી સુરતની તમામ 6 સીટ પર હુકમના એક્કા ઊતાર્યા છે.

આ યાદીમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા, મનોજ સોરઠિયા, રામ ધડૂક વગેરેનાં નામ સામેલ છે. આ તમામ નેતાઓમાં એક વાત સામાન્ય છે કે તેઓ બધા સુરત જિલ્લાની વિવિધ બેઠક પરથી ચૂંટણી મેદાને છે. જોવાની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ‘સમર્થનની લહેર’ હોવાનો દાવો કરતા પક્ષનાં ‘મોટાં માથાં’ કેમ સુરતમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે? શું બાકીનું ગુજરાત એકલા ઇશુદાન ગઢવીના હવાલે મૂકી દેવાનું?

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને કતારગામ, આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ, રામ ધડૂકને કામરેજ, પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ પરથી ઉમેદવાર બનાવ્યા છે. AAPએ માત્ર સુરતની પાટીદાર પ્રભુત્વાળી સીટો પર જ ફોકસ કર્યું હોય એવું લાગે છે. અલબત્ત, આના કારણે એવું લાગી રહ્યું છે કે AAPએ ગણતરીની સીટો પર જ ફોકસ કર્યું છે, અન્ય સીટો જતી કરી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.

રાજકીય પંડિતો એવું માને છે કે ગુજરાતમાં વર્ષ 2021માં સ્થાનિક નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસને સ્થાને બીજા ક્રમની પાર્ટી બનીને ઉભરી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરતમાં 27 બેઠક મળી હતી અને વોટનો શૅર 28 % રહ્યો હતો. આમ આદમી પાર્ટી આ જીતથી ઉત્સાહમાં છે અને આ પરિણામોનું તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ પુનરાવર્તન કરવા માગે છે.

ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે, સુરતમાં ઊભા રાખવામાં આવેલા AAPના ઉમેદવારોમાં કેટલાકનાં મૂળ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલાં છે. પાટીદાર અનામત આંદોલનને સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયનું સમર્થન હતું. અલબત્ત, આ સમર્થન સૌરાષ્ટ્રથી નહોતું પણ સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા પાટીદારોનું હતું. સૌરાષ્ટ્રનો આ સમાજ સુરતમાં મોટી સંખ્યામાં વસે છે. અમુક બેઠકોના વિસ્તારોના મતદારોમાં આ સમાજનું વર્ચસ્વ છે તેથી આ સમીકરણનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ આ ઉમેદવારોને સુરતથી મેદાનમાં ઉતાર્યા છે.

જો કે પહેલાં એ નિશ્ચિત ન હતું કે સુરતની સૌથી મહત્ત્વની વરાછા અને ઓલપાડ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના કયા ઉમેદવાર મેદાનમાં ઊતરશે. ખુદ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ માનસિક રીતે તૈયાર નહોતા કે તેઓ વરાછા બેઠક પરથી ચૂંટણી લડશે કે કેમ? મજાની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીએ આ બંને બેઠકો પર ત્રણથી ચાર વખત સર્વે કરાવ્યા હતા, જેમાં ન તો ગોપાલ ઇટાલિયા કે ન તો મનોજ સોરઠિયાને સમર્થન મળ્યું હતું! અલબત્ત, પાટીદારોમાં પોતાનો પ્રભાવ છે એવું દેખાડવાની કોશિશ જે સીટ પર આમ આદમી પાર્ટી સતત બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં જ આંતરિક સર્વેના પરિણામ તેઓની વિરુદ્ધ આવતાં હતાં! આથી કેજરીવાલને ચિંતા હતી કે આ બેઠકો પર તેના ક્યા ઉમેદવારો સારી લડત આપી શકશે!

AAPને એવી ચિંતા પણ હતી કે, સુરતમાં માહોલ નહીં બને તો તેની અસર સૌરાષ્ટ્રમાં થશે, જ્યાં પહેલાંથી જ કેજરીવાલ સભાઓ ગજવીને ફોક્સ કરી રહ્યા છે! સૌરાષ્ટ્રમાં કેજરીવાલની સભાઓથી જે થોડો ઘણો માહોલ અત્યારે બની રહ્યો છે એ પણ ખરા સમયે બગડી જશે, એવો ભય પણ પાર્ટીને સતાવતો હતો.

રાજકીય પંડિતો એવું કહે છે કે, અરવિંદ કેજરીવાલની ગણતરીઓ એકદમ પરફેક્ટ છે. ભલે એ એવું કહીને માહોલ બનાવે કે ગુજરાતમાં અમે સરકાર બનાવવાના છીએ. એ તો એનું લક્ષ્ય હોય જ પણ એમનું ખરું લક્ષ્ય વધુમાં વધુ બેઠકો લાવવાનું છે. હાલ કેજરીવાલ પાટીદારોના ભરોસે જ ગુજરાતમાં લડી રહ્યા છે. સુરત પાલિકાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટીદારોના સપોર્ટથી તેઓ 27 બેઠક જીતી લાવ્યા હતા અને વોટનો શેર 28 % રહ્યો હતો. સુરતના આ પરિણામો પછી આમ આદમી પાર્ટીએ પાટીદારો એમાં પણ સૌરાષ્ટ્રના, આ સમુદાય ઉપર ફોક્સ કર્યું હતું. તમે જુઓ કેજરીવાલે વધુમાં વધુ પ્રચાર સૌરાષ્ટ્રમાં જ કર્યો છે.

કેજરીવાલ જાણે છે કે સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવાથી એક નવો પ્રદેશ તેમના માટે ખૂલશે. ઉપરાંત એવી તો જાણકારી મળી ગઈ છે કે સૌરાષ્ટ્રના પાટીદારો આપને પસંદ કરી રહ્યા છે. આમ પણ AAP પાસે વિધાનસભામાં ક્યાં બેઠકો હતી તો ગુમાવવાનું છે, જે જીતે એ કમાવવાનું જ છે. પાર્ટી માટે સરપ્લસ જ હશે. તો પછી 27 વર્ષથી જામેલા BJPને હટાવવા માટે આખું ગુજરાત માથે લેવાનો દેખાડો કરી રહેલા કેજરીવાલની અસલી ગેમ તો એક એક પ્રદેશને કબ્જામાં કરીને પોતાના પાયા ખોદવાની છે.

AAPના ગણિતને સમજીએ તો, વરાછા બેઠક પર 1.98 લાખ મતદારો છે, જેમાં પાટીદારોની બહુમતી છે. પાર્ટીએ અહીંથી અનામત આંદોલનનો મોટો ચહેરો અલ્પેશ કથીરિયાને ઉતાર્યા છે. આવી જ રીતે સુરતની ઓલપાડ બેઠક પર 3.59 લાખ મતદારો છે, જેમાં મેજોરિટી પાટીદારોની છે. અહીંથી આપે ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે. આ બંને યુવા નેતાઓએ ગત વખતે નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કામરેજ બેઠક પરથી પણ AAPએ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા રામ ધડૂકને ટિકિટ આપી છે, જે BJP માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

રાજકીય ક્ષેત્રે એવું પણ કહેવાય છે કે – અલ્પેશ કથીરિયા PAASમાંથી કોઈ સ્વાર્થ વગર AAPમાં આવ્યા હોય એવું માનવાને કોઈ કારણ નથી. BJP અને કોંગ્રેસ સાથે ટિકિટ પાકી ન થતાં અંતે થાકીને તેમણે AAPનો સાથ પકડ્યો છે, એવી ચર્ચા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા વચ્ચે અહમનો ટકરાવ એવો હતો કે બંને એકસાથે રહી શકે નહીં. જો કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે મિત્ર હોતું નથી. બંને નેતાની જરૂરિયાત હતી કે સમયસર રાજકારણમાં પોતાનું સ્થાન જમાવી લેવું જોઈએ અને પરિણામે અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલિયાએ સમાધાન કરી લીધું છે. બંને સાથે આવતાં આમ આદમી પાર્ટી માટે પાટીદાર મતદારોમાં પોતાના દ્વાર સીધા ખૂલી ગયા છે.

બીજી તરફ વિજય રૂપાણીની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારનું સંચાલન સુરતથી ચાલતું હોય એવું વારંવાર રાજકીય મોરચે ચર્ચાતું રહે છે. નવી સરકારમાં સુરતના ચાર-ચાર ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત પર આટલી મહેરબાની પાછળ BJPની ખાસ સ્ટ્રેટેજી ગણવામાં આવે છે. ફેબ્રુઆરી, 2021માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીએ ગુજરાતના રાજકારણની દિશા બદલી નાખી છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 કોર્પોરેટર સાથે આમ આદમી પાર્ટીએ ઘૂસ મારી હતી. એક તરફ સુરતમાં કોંગ્રેસનો સફાયો થયો પણ એના કરતાં તેનાથી પણ વધુ પોલિટિકલી BJP માટે જોખમી એવી પાર્ટી AAP મજબૂતાઈથી ઉભરી હતી. આ જ વાતથી BJPની ઊંઘ હરામ થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારના સંગઠન વગર AAPએ BJPના ગઢમાં ભવ્ય વિજય મેળવ્યો અને ગુજરાતના રાજકારણનો માહોલ આખો બદલાઈ ગયો હતો. આજે આપણે ગુજરાતની ચૂંટણીમાં જે માહોલ જોઈ રહ્યા છીએ એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીએ લગાડેલા જોરને લીધે છે. ભલે એવું કહેવાતું હોય કે ગુજરાતની ચૂંટણી એકતરફી છે, BJP બહુમતીથી સરકાર બનાવશે પણ આ માહોલમાં ય AAPને હલકામાં લેવા જેવી નથી.

Most Popular

To Top