સુરત: (Surat) શહેરમાં ખાડી સફાઇ મુદ્દે હાલ રાજકારણ જોરમાં છે. વરાછા ખાડીની ગંદકી મુદ્દે શાસકોને ભીંસમાં લેવા વિપક્ષ ‘આપ’ના (Aam Admi Party) નગર સેવકોએ પ્રયાસ કર્યો હતો. વિપક્ષી નગરસેવકોએ કાર્યકર્તાઓની સાથે જાતે જ વરાછા ખાડીની સફાઇ (Bay Cleaning) કરવાનું શરૂ કર્યું હતું. તેમજ શાસકોના ફોટો પણ ખાડી કિનારે મૂકીને ‘ગોબરદાસ’ તરીકે નવાજ્યા હતા અને પુણામાં આવેલી ગુરુકૃપા સોસાયટીના મધ્યમાંથી પસાર થતી ખાડીને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. પુણા વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ભારે ગંદકીને કારણે સ્થાનિક લોકો હાલાકીમાં મુકાઇ ગયા છે. તેમજ સોમવારે સવારે ધરણાં પર બેસવાની ચીમકી આપ્યા બાદ બપોર પછી અર્ચના સ્કૂલ ચાર રસ્તા ખાતે ધરણાં પ્રદર્શન પણ કર્યું હતું. જેથી મામલો ગરમાયો છે. સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી છે અને માત્ર ફોટો સેશન માટે સફાઈ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે મનપાના વરાછા ઝોન-બીના વડા ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સફાઈની કામગીરી બે દિવસથી શરૂ કરી દેવામાં આવી છે.
વિસ્તૃત વિગતો મુજબ શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીની હાલત હાલમાં ખૂબ ખરાબ છે. ખાસ કરીને વરાછા-પુણા વિસ્તારમાં ખાડીમાં અત્યંત ગંદકી થવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે ખાડીની આસપાસની સોસાયટીમાં રહેતા લોકોની હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે. લોકોનું ત્યાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. દર વર્ષે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ પણ ચોમાસા દરમિયાન વધી જતું હોય છે, તેવા સમયે ખાડીની ગંદકીના કારણે મચ્છરો ઉપદ્રવ મોટી સમસ્યા બનીને સામે આવે તેવી ભીતિ હાલમાં સ્થાનિક લોકોમાં સેવાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોને મચ્છર કરડી જવાથી મેલેરિયા, ટાઈફોડ જેવા રોગોનો સામનો કરવો પડે છે. આરોગ્ય વિભાગે સતર્ક થઈને આવી સ્થિતિનો ઊભી ન થાય તે માટે અત્યારથી જ કામ પૂર્ણ કરી દેવું જોઈએ તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. દર વર્ષે ખાડી સફાઈની ફરિયાદો સુરતમાં ઉઠતી રહી છે. દર વર્ષે મનપા દ્વારા બજેટમાં પણ ખાડી મુદ્દે બજેટ મંજૂર કરાય છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં ચોક્કસ મનપા દ્વારા ખાડી સફાઈ મુદ્દે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુકૃપા સોસાયટીમાંથી પસાર થતી ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. તેવામાં સ્થાનિકો વારંવાર મચ્છરજન્ય બીમારીનો શિકાર બને છે. આ મામલે સ્થાનિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય અને મનપાને વારંવાર સફાઈ કરવા રજૂઆત કરી હતી. પરંતુ સફાઈના નામે માત્ર સાંત્વના આપવામાં આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે સ્થાનિક લોકોમાં મહિલાઓએ પણ વિરોધ કરવાની સાથે ધરણાં પર બેસવાની ચીમકી આપી હતી તેમજ સોમવારે બપોર બાદ ધરણાં અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
બે દિવસથી પુણા વિસ્તારની ખાડીઓમાં સફાઈની કામગીરી ચાલુ થઇ ચૂકી છે : એન.વી.ઉપાધ્યાય
આ ખાડી જ્યાંથી પસાર થાય છે તે વરાછા ઝોન-બીના વડા ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારા સુધી હજુ કોઈ રજૂઆત કરવા આવ્યું નથી. જો કે, ૧૨ જૂનથી ખાડી સફાઈનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ફોકલેન મશીનથી કામ ચાલુ છે. જો કે, પુણા વિસ્તારની ખાડીની લંબાઈ નવ કિલોમીટર હોવાના કારણે થોડો સમય લાગી રહ્યો છે. નેતાઓ અને મનપાને વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ખાડીની આસપાસની 14 સોસાયટીના લોકોને રોગચાળો ફેલાવાનો ડર લાગી રહ્યો છે. ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતાની સાથે જ સ્થિતિ અસહ્ય થશે.
નાના બાળકો અને વૃદ્ધો રોગમાં સપડાવાની ભીતિ
સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડી હાલ ખૂબ ખરાબ હાલતમાં છે. તેના લીધે ખાડીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેવામાં ગુરુકૃપા સોસાયટીના રહીશોએ ખાડી સફાઈને લઈ વિરોધ કર્યો હતો. મચ્છરજન્ય રોગોનું પ્રમાણ પણ ચોમાસા દરમિયાન વધી જતું હોય છે, તેવા સમયે ગાડીની ગંદકીના કારણે મચ્છરો ઉપદ્રવ મોટી સમસ્યા બનીને સામે આવી જતી હોય છે. નાનાં બાળકો અને વૃદ્ધોને મચ્છર કરડી જવાથી મેલેરિયા, ટાઈફોઈડ જેવા રોગોનો સામનો કરવો પડે છે. આરોગ્ય વિભાગે સતર્ક થઈને આવી સ્થિતિનો ઊભી ન થાય તે માટે અત્યારથી જ કામ પૂર્ણ કરી દેવું જોઈએ.
ખાડીના પાણી દુર્ગંધ મારતા હોવાથી લોકોને મુશ્કેલી: તંત્ર અને નેતાઓ માત્ર સાંત્વના આપતાં રોષ
સુરતમાં ઘણાં વર્ષોથી ખાડી સફાઈની ફરિયાદો ઊઠતી રહી છે. દર વર્ષે મનપા દ્વારા બજેટમાં પણ ખાડી મુદ્દે બજેટ મંજૂર કરાય છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં ચોક્કસ મનપા દ્વારા ખાડી સફાઈ મુદ્દે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. સુરતની ગુરુકૃપા સોસાયટીમાંથી પસાર થતી ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. તેવામાં સ્થાનિકો વારંવાર મચ્છરજન્ય બીમારીનો શિકાર બને છે. આ મામલે સ્થાનિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય અને મનપાને વારંવાર સફાઈ કરવા રજૂઆત કરી હતી. પરંતુ સફાઈના નામે માત્ર સાંત્વના આપવામાં આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખાડી આસપાસની 14 જેટલી સોસાયટીના રહીશો પરેશાન થઈ રહ્યા છે, સ્થાનિકોની ધરણાં પર બેસવાની ચીમકી
આમ આદમી પાર્ટી દ્વારા પુણા વિસ્તારમાં તેમજ અન્ય ખાડી વિસ્તારોમાં ખાડીનું સાફસફાઈ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચુંટાઈને આવ્યા છે. ત્યારે આપ દ્વારા થોડા દિવસો અગાઉ યોગીચોક ખાતે રોડ પર આવેલી ખાડી સફાઈ કરી હતી. મેયર, ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષને ગોબરદાસ કહ્યા હતા. ગુરુકૃપા સોસાયટીની ખાડીને જોતાં ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી માત્ર વિરોધ કરવા ફોટો પડાવીને કામ કરતા હોય છે. જો તે રસ્તો સાફ કરે તો ગુરુકૃપા સોસાયટીમાં પણ તેમના જ કોર્પોરેટર છે ત્યાં સફાઈ ક્યારે થશે તે એક પ્રશ્ન છે. હાલ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે અને ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય સફાઈ નહીં થાય તો ધરણા પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવશે.