સુરત: (Surat) સુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે નૌકા દળે યુદ્ધજહાજને (Battleship) ‘સુરત’ નામ આપ્યું છે ત્યારે સુરત શહેરમાં યોજાયેલા એક વાઇબ્રન્ટ સમારંભ દરમિયાન ભારતીય નૌકાદળના અત્યાધુનિક, નિર્માણાધીન, ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક યુદ્ધ જહાજ ‘સુરત’ના પ્રતીકનું અનાવરણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નૌકાદળના (Navy) સ્ટાફના વડા એડમિરલ આર. હરિ કુમાર અને રાજ્ય સરકાર તેમજ ભારતીય નૌકાદળના વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીઓ આ અવસરે ઉપસ્થિતિ રહ્યા હતા.
સુરતના પ્રતીકમાં ખંભાતના અખાતના દક્ષિણ પ્રવેશદ્વાર પર સ્થિત હજીરા (સુરત) ખાતે પ્રખ્યાત દીવાદાંડી દર્શાવવામાં આવી છે. 1836માં બાંધવામાં આવેલી આ દીવાદાંડી ભારતની સૌ પ્રથમ બાંધવામાં આવેલી દીવાદાંડીઓ પૈકી એક છે. પ્રતીક પર ગુજરાતના રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહને પણ દર્શાવવામાં આવ્યો છે જે આ જહાજની ભવ્યતા અને તાકાતનું પ્રતીક છે. નૌકાદળની યુદ્ધ ટેકનોલોજી અને લડાયક ક્ષમતાઓમાં નવીનતમ પ્રગતિઓથી સજ્જ, આ યુદ્ધ જહાજ ‘સુરત’ સમુદ્રી સુરક્ષા અને દેશના રક્ષણ માટે નૌકાદળની પ્રતિબદ્ધતાનું શક્તિશાળી સાકાર સ્વરૂપ હોવાનું દર્શાવે છે. પ્રતીક પર દર્શાવવામાં આવેલા લહેરાતા સમુદ્ર દ્વારા આ બાબતને સારી રીતે દર્શાવવામાં આવી છે. ભારતીય નૌકાદળના કાફલામાં જોડાવાની તૈયારીમાં રહેલું ‘સુરત’ જહાજ રાષ્ટ્રની સમુદ્રી સરહદોનું રક્ષણ કરીને અને પ્રદેશમાં તેના વ્યૂહાત્મક હિતોને જાળવી રાખીને એક પ્રચંડ પહેરેદાર તરીકે સેવા આપવાનું વચન આપે છે.
સમૃદ્ધ સમુદ્રી ઇતિહાસ અને જહાજ નિર્માણના વારસા માટે પ્રખ્યાત એવા ધબકતા શહેર સુરતના નામ પરથી જહાજને ‘સુરત’ નામ આપવામાં આવ્યું છે જે તેની ઉદ્યમિતા અને આત્મનિર્ભર ભાવનાને પણ મૂર્તિમંત કરે છે. સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું અને નિર્મિત પ્રોજેક્ટ 15B (વિશાખાપટ્ટનમ ક્લાસ) વિધ્વસંકનું ચોથું જહાજ ‘સુરત’ નૌકાદળની ટેકનોલોજી અને ક્ષમતાઓમાં નોંધપાત્ર છલાંગ ભરી હોવાનું રજૂ કરે છે. આવિષ્કારી બ્લોક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરીને આ જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં મુંબઇમાં મઝગાંવ ડોક લિમિટેડ (MDL) ખાતે જહાજનું એસેમ્બલિંગ કરતા પહેલાં તેના હલ (સાટી) ને અલગ-અલગ ભૌગોલિક સ્થળોએ એસેમ્બલ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિ ઝીણવટપૂર્વક ચોકસાઇ અને એન્જિનિયરિંગની શ્રેષ્ઠતા પર પણ પ્રકાશ પાડવાની સાથે સાથે ભારતના જહાજ નિર્માણની ક્ષમતામાં વધતી ઉત્કૃષ્ટતાને રેખાંકિત કરે છે.
ભારતીય નૌકાદળના મુંબઈ સ્થિત વેસ્ટર્ન ફ્લીટના પાયાના પત્થર તરીકે યુદ્ધ જહાજોની પ્રોજેક્ટ 15B શ્રેણી રાષ્ટ્રની અદ્યતન યુદ્ધ ક્ષમતાઓનું પ્રતિક છે. સુરત તેના જેવા અન્ય જહાજો વિશાખાપટ્ટનમ, મોર્મુગાઓ અને ઈમ્ફાલ સાથે, સ્વદેશી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલો, લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઈલ્સ (SAMs) અને સ્વદેશી ટોર્પિડો ટ્યુબ લોન્ચર સહિત પ્રચંડ શસ્ત્રાગારનું પ્રદર્શન કરે છે. નૌકાદળની આત્મનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, મજબૂત રક્ષણાત્મક પગલાંઓ અને અને આક્રમક દરિયાઈ ગતિવિધિઓને પ્રતિબિંબિત કરે છે.