બારડોલી: (Bardoli) અમેરિકા (America) સહિત વિદેશમાં વસેલા ભારતીય મૂળના લોકો પણ ધામધૂમથી દિવાળીની (Diwali Festival) ઉજવણી કરી રહ્યા છે. બિનનિવાસી ભારતીયોએ (NRI) અમેરિકામાં પોતાના દેશ, ધર્મ, ભાષા રીતિરિવાજ અને પરંપરા હંમેશા જીવંત રાખી છે. આજે પણ અમેરિકામાં વર્ષોથી રહેતા ભારતીયો દિવાળી સહિતના તહેવારો ધામધૂમથી ઉજવી રહ્યા છે.
- નવરાત્રિની ધૂમ બાદ હવે અમેરિકામાં વર્ષોથી રહેતા ભારતીયો ધામધૂમથી ઉજવતા દિવાળીનો તહેવાર
- 63 ટકા ભારતીયો દિવાળીનો તહેવારની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરે છે
ગત દિવસો દરમ્યાન અમેરિકાના નવરાત્રિની ધૂમ બાદ હવે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં પણ ભારતની જેમ જ લોકો દિવાળી ઊજવતાં હોય છે. ઘર આંગણામાં દીવા પ્રગટાવવાથી લઈ ફટાકડા ફોડીને દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા કમલેશ પટેલે જણાવ્યુ હતું કે, અહીં ભારતીય તહેવારો ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. નવરાત્રિમાં તો નવ દિવસ સુધી ગરબા રમે છે. કેટલાક શહેરોમાં વિકેન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે.
એ જ રીતે અહી દિવાળીની પણ ધૂમ રહે છે. દિવાળી અને નવ વર્ષમાં ભારતીય સમાજના લોકો એક બીજાને મળીને શુભેચ્છા પાઠવે છે. આ ઉપરાંત ફટાકડા ફોડી તેમજ મીઠાઇ વહેંચીને નવા વર્ષને પણ વધાવવામાં આવે છે. એક સર્વેમાં પણ જાણવા મળ્યું હતું કે અમેરિકામાં રહેતા 63 ટકા ભારતીયો દિવાળીનો તહેવાર ઉજવે છે. આ વખતે પણ અહીં રહેતા ગુજરાતી અને ભારતીય સમાજ દ્વારા દિવાળી પર વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.