SURAT

જર્જરિત આવાસનો સ્લેબ પડ્યો: પરિવારની માસૂમ દિકરીનું મોત પણ માતા પિતાને તેની ખબર જ નથી

સુરત: સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત ભેસ્તાન આવાસમાં રાત્રી દરમિયાન જર્જરિત મકાનમાં પોપડા પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનામાં પરિવારને ઈજા થઇ હતી. તો બીજી તરફ 1 વર્ષની બાળકીનું મોત (Child Death) થયું છે. આ ઘટનાને લઈને ત્યાંના રહેવાસીઓ રોષે ભરાયા હતા અને સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની કરૂણતા એ છે કે માસૂમ બાળકીનું મોત થયું છે પણ માતા પિતા આ વાતથી અજાણ છે.

સુરતમાં ભેસ્તાન સ્થિત સરસ્વતી આવાસ (Bhestan EWS Awas) આવેલું છે. આ આવાસના એક બિલ્ડીંગમાં પ્રદીપ ખાંડે તેમની પત્ની આશા અને 1 વર્ષીય બાળકી સિયા સાથે રહે છે. રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. દરમિયાન અચાનક છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સિયાને મૃત જાહેર કરી હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક અને માતા ગૃહિણી છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે.

આ ઘટનાને લઈને આવાસમાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ રહીશો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પરિવારજનોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં માતા-પિતાને ગંભીર ઈજાઓ થઇ છે હાલ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ 1 વર્ષીય સિયા પ્રદીપ ખાંડેનું મોત નીપજ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાંડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસુમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસુમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.

ઉલ્લેખનીય છે કે સરસ્વતી આવાસ જર્જરિત થઇ ગયું છે. જેને લઈને અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. જો કે, પોપડા પડવાની ઘટનામાં આખરે એક બાળકીનું મોત નીપજ્યું છે જેને લઈને ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા. જેથી આવાસની મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યાં મહિલાઓએ જણાવ્યું હતું કે આવાસ ખુબ જ જર્જરિત છે જેને તાત્કાલિક રીપેર કરાવવું જોઈએ. અનેક ફરિયાદો કરી છે પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી અને આજે આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે.

Most Popular

To Top