SURAT

નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા સરકારની સૈદ્ધાંતિક મંજૂરી, જાણો સુરત નજીક ક્યાં બનશે નવો ટ્રેક

સુરત: (Surat) રાજ્યના વાહન વ્યવહાર ખાતાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સુરતમાં પાંચ કરોડના ખર્ચે નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (Automatic Driving Test Track) બનાવવામાં આવશે. ઉપરાંત પાકાં લાઇસન્સની (License) કામગીરીનું ભારણ ઓછું કરવા સુરત, વડોદરા અને રાજકોટ ખાતે નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સુરતના ઓલપાડના માસમા ખાતે વેહિકલ ફિટનેસ સેન્ટરમાં નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા જગ્યા પસંદગી કરવામાં આવી છે. પાંચ કરોડ રૂપિયાના ખર્ચે સુરતમાં નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઊભો કરાશે. સુરતમાં નવો ટેસ્ટ ટ્રેક બનતાં પાલ આરટીઓના ટેસ્ટ ટ્રેક પરનું ભારણ ઘટશે. એટલું જ નહીં ચોર્યાસી, ઓલપાડ અને કામરેજનાં ગામડાંમાંથી સુરત પાલ સુધી ટેસ્ટ આપવા આવતા વાહનચાલકો ઘરની નજીક ટેસ્ટ આપી શકશે. પાકા લાઇસન્સ માટે લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ નવો ટ્રેક બનાવવા નિર્ણય લેવાયો છે.

  • પાકાં લાઇસન્સના કામનું ભારણ ઓછું કરવા સુરત, વડોદરા અને રાજકોટમાં નવા ટેસ્ટ ટ્રેક બનશે: પૂર્ણેશ મોદી
  • ઓલપાડના માસમા ખાતે નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા સરકારની સૈદ્ધાંતિક મંજૂરી
  • આસપાસના ગામડાંમાંથી સુરત પાલ સુધી ટેસ્ટ આપવા આવતા વાહનચાલકો ઘરની નજીક ટેસ્ટ આપી શકશે

પાલ આરટીઓમાં પાકાં લાઇસન્સની ટેસ્ટનો સમય વધતાં વિલંબથી મળતી એપોઇન્ટમેન્ટની સમસ્યા હળવી થઈ
સુરતની પાલ આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારવામાં આવતાં પાકાં લાઇસન્સ માટે બે મહિને મળતી એપોઇન્ટમેન્ટ હવે વહેલી મળી રહી છે. વાહન વ્યવહાર વિભાગે ટ્રેકના સમયમાં વધારો કરી સવારે ૬થી બપોરે ૨ અને બપોરે ૨.૩૦થી રાતે ૯.૩૦ કલાક સુધી પાકાં લાઇસન્સની ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

બારોબાર લાઇસન્સ આપવાનું કૌભાંડ પકડાતાં ટાઉટોનો બારડોલી, નવસારી આરટીઓમાં ધામો
વાહન વ્યવહાર મંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સુરત આરટીઓમાં સવારે ૬થી ૮ અને રાતે ૭થી ૯.૩૦ વાગ્યાના સમયગાળાની એપોઇન્ટમેન્ટ ખાલી જ જઈ રહી છે. બારડોલી અને નવસારી આરટીઓમાં ટેસ્ટ ટ્રેક નહીં હોવાથી સુરતીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ત્યાં વધુ જઈ રહ્યાની ફરિયાદ મળી છે. બારોબાર લાઇસન્સ આપવાનું કૌભાંડ સુરતમાં પકડાયા પછી ટાઉટો જો બારડોલી-નવસારીમાં ગોરખધંધા કરતા હશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.

Most Popular

To Top