સુરત: (Surat) આખરે અતુલ વેકરીયાને (atul Vekariya) બચાવવા માટે ઉમરા પોલીસે (Police) કરેલો ખેલ બહાર આવી જ ગયો. કોર્ટ દ્વારા 304 કલમ ઉમેરી દેવામાં આવી હોવા છતાં ઉમરા પોલીસે ધરાર અતુલ વેકરીયાની ધરપકડ કરી નહીં અને તેને ભાગવી દીધો. જેને કારણે અતુલ વેકરીયાને કોર્ટમાં આગોતરા જામીન મેળવવાની તજવીજ કરવા માટે સમય મળી ગયો. સામાન્ય વ્યક્તિને ગમે ત્યાંથી શોધી લાવીને લોકઅપમાં ઘાલી દેતી ઉમરા પોલીસે અતુલ વેકરીયાની ઉપર એવી રહેમનજર રાખી કે અતુલ વેકરીયાને તમામ લાભ મળી ગયાં. ઉમરા પોલીસની મિલીભગતને કારણે જ હવે અતુલ વેકરીયાએ પાંચ દિવસ બાદ સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી તા. 12મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ, અઠવાડિયા પહેલા રાત્રીના સમયે અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ વેસુ ચાર રસ્તા પાસે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં ઉર્વશી ચૌધરી નામની યુવતીનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યુ હતુ. ચકચારીત આ કેસમાં ઉમરા પોલીસે અતુલ વેકરીયાને બચાવવા અનેક પ્રયત્નો કર્યા હતા. અતુલ વેકરીયાની સામે હળવી કલમો લગાવવામાં આવી હતી, જેના કારણે અતુલ વેકરીયાને 24 કલાકમાં જ પોલીસ મથકેથી જામીન મળી ગયા હતા. ગત સોમવારે લોકોનો આક્રોશ જોઇને ઉમરા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં અતુલ વેકરીયાની સામે સપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
કોર્ટે અતુલ વેકરીયાની સામે 304નો ઉમેરાની સાથે તેના જામીન રદ્દ કરવા અને ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો. આ હુકમને આજે ચારથી પાંચ દિવસ થઇ ગયા છે તેમ છતાં પણ ઉમરા પોલીસ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે. અતુલ વેકરીયા પોલીસની નજરકેદમાં હોવા છતાં પણ તેની ધરપકડ કરવામાં આવતી નથી. ઉમરા પોલીસે જ અતુલ વેકરીયાને આગોતરા જામીન અરજી કરીને બચવા માટેનો રસ્તો બતાવી દીધો હતો. પાંચ દિવસ બાદ અતુલ વેકરીયાએ શનિવારે સુરતની સેશન્સ કોર્ટમાં સ્થાનિક વકીલ મનિષ દેસાઇ મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી તા. 12મી એપ્રીલના રોજ હાથ ધરવામાં આવશે.
અતુલ વેકરીયા શહેરના કોઇ ફાર્મહાઉસમાં છુપાયો હોવાની લોકચર્ચા
ઉમરા પોલીસે અતુલ વેકરીયાના ઘરે જઇને સર્ચ કર્યું હતું પરંતુ તે મળી આવ્યો ન હતો. બીજી તરફ પોલીસે જ તેને ભાગવા માટેનો રસ્તો આપી દીધો હતો. ખાલી દેખાવા પુરતુ જ ઉમરા પોલીસે અતુલ વેકરીયાના ઘરે સર્ચ કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, અતુલ વેકરીયા સુરતમાં જ હોવાનું કહેવાઇ રહ્યું છે. અતુલ વેકરીયાએ તેના વકીલોને પણ મળ્યો હતો અને ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેમ છતાં પણ ઉમરા પોલીસ અતુલ વેકરીયાની ધરપકડ કરી શકતી નથી. હાલમાં અતુલ વેકરીયાએ આગોતરા જામીન અરજી કરી છે અને સુરતના છેવાડાના કોઇ ફાર્મ હાઉસમાં છુપાયો હોવાનું કહેવાઇ રહ્યું છે પરંતુ તેમ છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહી કરી હોવાનું કહેવાઇ છે.