સુરત: (Surat) પાંડેસરામાં બમરોલી મિલન પોઇન્ટમાં આવેલી ઓફિસમાં મંગળવારે સવારે આઠથી દસ અજાણ્યા ધસી આવી બે મિત્રો ઉપર જીવલેણ હૂમલો (Attack) કર્યો હતો. બે પૈકી એક યુવકને તો પીઠના ભાગે રેમ્બો છરો (Chopper) ઘુસાડી દેતા તેને ચપ્પુની સાથે નવી સિવિલમાં ખસેડાયો હતો. યુવકમાં પીઠમાં ચપ્પુ ઘુસેલું જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. યુવક ઉપર મહાવીર નામના વ્યક્તિએ તેની પત્ની સાથે ઇજાગ્રસ્તનો પ્રેમ સંબંધ (Love Affairs) હોવાના વહેમમાં હુમલો કર્યો હતો.
- મહિલાના પતિએ હુમલો કર્યો, યુવકની પીઠમાં ચપ્પુ ઘુસેલું જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો
- પાંડેસરામાં પત્ની સાથે પ્રેમ સંબંધ અને મોબાઈલમાં વાત કરતો હોવાના વહેમમાં હુમલો કર્યો
ઘટના અંગે મળતી માહિતી મુજબ પાંડેસરા મિલન પોઈન્ટ પાસે જયઅંબે નગર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય ધર્મેન્દ્ર ઉર્ફે ચિન્ટુ ધ્રુવકુમાર પાંડે મિલન શોપીંગ સેન્ટરમાં ધ્રુવ કોર્પોરેશનના નામથી ઓફિસ ધરાવે છે. તે મિલકત લે-વેચનું કામ કરે છે. દરમિયાન આજે બપોરે મહાવીર, મહાવીરનો ભાણો ભટું અને તેના ફોઈનો છોકરો ક્રિષ્ણા તિવારી સાથે ધર્મેન્દ્રની ઓફિસમાં ધસી ગયા હતા. ધર્મેન્દ્રની સાથે તેનો એક મિત્ર કલ્લુ મિસ્ત્રી પણ ઓફિસમાં જ હતો. મહાવીર સહિત અન્ય સાત આઠ જણા ઓફિસમાં આવીને ચિન્ટુ કોણ છે તેમ પુછતા કલ્લુ કઈ બોલે તે પહેલા જ હુમલો કરી દીધો હતો. જેમાં કલ્લુને પીઠના ભાગે ચપ્પુ ઘુસાડી દીધું હતું. જ્યારે ધર્મેન્દ્રને પણ માથામાં ચપ્પુના ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. પાંડેસરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. મહાવીરે તેની પત્નીનું ધર્મેન્દ્ર સાથે અફેર હોવાના વહેમમાં હુમલો કર્યો હતો. ત્યારે ઓફિસમાં ધર્મેન્દ્રના મિત્ર કલ્લુ વચ્ચે પડતા તેને પીઠમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. રેમ્બો છરા જેવો ચપ્પુ ઘુસેલી હાલતમાં કલ્લુને નવી સિવિલમાં ખસેડતા તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડ્યો હતો.
મિત્ર સાથેની અદાવતમાં યુવક પર હુમલો કરી આંગળી કાપી નાખી અને બાદમાં અપહરણ
સુરત: પાંડેસરા ખાતે વાલ્મિકી આવાસમાં રહેતા યુવકનું આજે સુરજ કાલીયો તેના ત્રણ મિત્રો સાથે મળીને અપહરણ કરી લઈ ગયા હતા અને હાથની આંગળી કાપી નાખી હતી. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે સિદ્ધાર્ત નગર પાસે વાલ્મિકી આવાસમાં રહેતા 34 વર્ષીય ભદાંતીદેવી ચૌધરીએ તેના પુત્ર વિકાસના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિકાસ તેના મિત્ર લંબુ ઉર્ફે સુનિલ સાથે ફરતો હોય છે. સુનિલનો થોડા સમય પહેલા સુરજ કાલીયા સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને વિકાસને સબક શીખવાડવા માટે આજે બપોરે વિકાસના ઘરમાં ઘુસી આવ્યા હતા. સુરજે તેના ત્રણ મિત્રો સાથે મળીને વિકાસને માર માર્યો હતો. વિકાસના જમણા હાથની આંગળી કાપી નાખતા તેની માતા વચ્ચે બચાવવા પડતા માતાને પણ માર મારી માતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં બાઈક ઉપર વિકાસને બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. વિકાસની માતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.