SURAT

વરસાદ અને ઠંડી: વાતાવરણ હિલસ્ટેશન જેવું બનતા સુરતીઓ મોજ માણવા નિકળી પડ્યાં

સુરત: (Surat) હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં (Atmosphere) પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો થવાનું કારણ બંગાળ ની ખાડીમાં ડેવલપ થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. વાતાવરણમાં પલટો આવતા સુરતની વાતાવરણ જાણે હિલસ્ટેશન (Hill Station) બની ગયું છે. મંગળવારે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદ પડ્યો હતો. સાથેજ ઠંડીનું (Cold) પ્રમાણ પણ વધતા લોકો રીતસરના ઠઠર્યા હતા. જોકે લોકોએ વાતાવરણની મોજ પણ માણી હતી. ખાસ કરીને ગરમાગરમ પોંકવડા, પેટિસ અને રતાળુ પૂરી ખાઈને ઠંડી (Winter) અને વરસાદ (Rain) બંને મોસમનો સ્વાદ માણ્યો હતો. જોકે મંગળવારે વરસાદ અને ઠંડીની વચ્ચે સુરતીઓએ સ્વેટર અને તેની ઉપર રેઈનકોટ પહેરવાની ફરજ પડી હતી.

બંગાળની ખાડીમાં પખવાડિયામાં બીજી વખત લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. હાલ તે અપર એર સર્ક્યુલેશન બનીને આગળ વધી રહ્યું છે. જે બે તારીખે વધુ અસરકારક બનશે અને મુંબઈથી દક્ષિણ ગુજરાત સુધી આગળ વધતા આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સામાન્ય વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ લો પ્રેશર સિસ્ટમને કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યાં બીજી બાજુ જમ્મુ કાશ્મીર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ શરૂ થઈ છે. આ બંનેની અસર આગામી ચાર તારીખ સુધી અનેક રાજ્યોમાં જોવા મળશે. અને પાંચ તારીખ બાદ દક્ષિણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો પ્રારંભ થશે. હવામાન વિભાગ આ પરિસ્થિતિઓમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાતા શીત લહેર વ્યાપી
સાપુતારા : ભારતીય હવામાન વિભાગની આગાહીનાં પગલે મંગળવારે ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારા, આહવા, સુબિર અને વઘઇ પંથકનાં ગામડાઓમાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ છવાઈ જતા સર્વત્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મંગળવારે દિવસ દરમ્યાન વાદળોએ ઘેરાવો ભરતા શિયાળુ પાકોને જંગી નુકસાન થવાની વકી સર્જાઈ છે. ગિરિમથક સાપુતારાનું વાતાવરણ પણ ઠંડુગાર બની જતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

નવસારીમાં દિવસે ફૂંકાયેલા પવને લોકોને થોડા ધ્રુજાવ્યા: મોડી સાંજે વરસાદ પડ્યો

નવસારી : નવસારીમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી વધતા તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. જેથી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જોકે દિવસ દરમિયાન ફુંકાયેલા પવનોએ થોડા ધ્રુજાવ્યાં હતા. પરંતુ મોડી સાંજે નવસારીમાં વરસાદનું આગમન થયું હતું. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી. બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે વલસાડમાં સોમવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.

Most Popular

To Top