સુરત: (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં રાત્રે કરફ્યુના (Curfew) સમયે રખડવા માટે નીકળેલા ત્રણ યુવકોએ બે કિલોમીટરના એરિયામાં જ બે એટીએમ (ATM) મશીન તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા આઈસીઆઈસીઆઈ બેંકનું (ICICI Bank) એટીમ તોડી બાદમાં એક્સીસ બેંકના (Axis Bank) એટીએમમાં નુકશાન કર્યું હતું. પાંડેસરા પોલીસે (Police) ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.
- પાંડેસરામાં કરફ્યૂના સમયે ત્રણ મિત્રોએ બે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો
- આરોપીઓએ એ.ટી.એમ. મશીનનો દરવાજો તથા એસ.એન.જી લોક તોડી ચોરી કરવાની કોશીષ કરી હતી પરંતુ મશીનમાંથી રૂપિયા કાઢી શક્યા ન હતા
- પહેલા આઈસીઆઈસીઆઈનું એટીએમ તોડ્યું, તેમાંથી રૂપિયા નહીં કાઢી શકતાં એક્સિસના એટીએમમાં સીસીટીવી કેમેરો તોડી નાંખ્યો
- એટીએમ મશીનનું મેન્ટેનન્સ કરતી કંપનીને જાણ થતાં તેમણે ત્વરીત પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઈ
પાંડેસરા બાટલીબોય પાસે આવેલા ઐચપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ રૂમમાં કરફ્યુના સમયે મધ્ય રાત્રે સવા ત્રણ વાગ્યે અજાણ્યા ચોરોએ ઘૂસી એ.ટી.એમ. મશીનનો દરવાજો તથા એસ.એન.જી લોક તોડી ચોરી કરવાની કોશીષ કરી હતી પરંતુ મશીનમાંથી રૂપિયા કાઢી શક્યા ન હતો. મશીનને 10 હજારનું નુકસાન થયું હતું. ત્યારબાદ મળશ્કે સાડા ચાર વાગ્યે પિયુષ પોઈન્ટ ચાર રસ્તા પાસે આવેલા એક્સિસ બેંકના એટીએમ મશીનના રૂમમાં એ જ ચોરોએ ઘૂસી સી.સી. ટીવી કેમેરા તોડી અંદાજે 2 હજારનું નુકસાન કરી નાસી ગયા હતા.
એટીએમ મશીનનું મેન્ટેનન્સ કરતી કંપનીને જાણ થતાં તેમણે ત્વરીત પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પાંડેસરા પોલીસે તપાસ કરીને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં એક આરોપી કુરિયરમાં અને બીજો સંચા ખાતામાં નોકરી કરે છે. ત્રણેય સવારે રખડવા નીકળ્યા હતા ત્યારે એટીએમમાંથી પૈસા કાઢવા ગયા હતા. આ અંગે જયેશભાઇ રણછોડભાઇ ચૌધરી (ઉ.વ.33, રહે. 102 વિષ્ણુપાર્ક ભૈયાનગરની બાજુમાં પુણાગામ, સુરત તથા મુળ ગામ-ગોદાવાડી, તા.માંડવી, જી-સુરત)એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આકાશ ઉર્ફે નીક્કી પ્રભાકર શ્રીવાસ્તવ (ઉ.વ.24), અનુરાગ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ (ઉ.વ.19) અને કુલદીપ દ્વારકાપ્રસાદ મિશ્રા (ઉ.વ.30)ની ધરપકડ કરી વધારે પુછપરછ હાથ ધરી છે. કુલદીપ સંતાખાતામાં તથા આકાશ અને અનુરાગ કુરિયરમાં નોકરી કરે છે.