સુરત(Surat) : ચૂંટણીના (Election) દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ શહેરમાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો આડે છે ત્યારે તા. 18 મીએ શહેરમાં 10 વિધાનસભા ક્ષેત્રોમાં સ્ટાર પ્રચારકોની સભાનું આયોજન કરાયું છે. આવતીકાલે શહેરમાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) વગેરે સ્ટાર પ્રચારકો સભા કરશે.
ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોએ તેમના મતક્ષેત્ર વિસ્તારમાં ડોર-ટુ-ડોર પ્રચારના શ્રી ગણેશ તો કરી દીધા છે. પરંતુ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી શહેરમાં કોઈ મોટા નેતાની સભા કે રેલી હજી સુધી થઈ નથી. તા. 18 મી એ ભાજપ દ્વારા ગુજરાત ભરની વિવિધ વિધાનસભા બેઠકો પર જાહેર સભાનું આયોજન કર્યુ છે. જેમાં સુરતની 10 વિધાનસભાઓ પર પણ નેતાઓની સભા થશે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતિયોની વસતી પણ મોટા પ્રમાણમાં હોય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોડાદરા વિસ્તારમાં સભા કરશે. લિંબાયતમાં મહારાષ્ટ્રીયન વસતીને કારણે મહારાષ્ટ્રીયન મતદારોને આકર્ષવા દેવેન્દ્ર ફડણવીસની સભા લિંબાયતમાં થશે. તે ઉપરાંત મજુરામાં ભુપેન્દ્ર પટેલ, ઉધના અને સુરત ઉત્તરમાં નીતિન પટેલ, પુર્વ વિધાનસભા બેઠક પર તેજસ્વી સુર્યાજી, વરાછામાં પરસોત્તમ રૂપાલા, કરંજમાં મનસુખ માંડવીયા અને સુરત પશ્ચિમમાં અનુરાગ ઠાકુરજીની સભા થશે.
સુરતમાં 16 બેઠક પર 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
સુરત: આગામી તા.1 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત ગુરુવારે બપોરે ત્રણ કલાકની હતી. વિતેલી તા.15થી 17 નવેમ્બર દરમિયાન સુરત શહેર જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠક પરથી કેટલાક રાજકીય પક્ષો અને કેટલાક અપક્ષો મળીને કુલ 89 ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. હવે 16 બેઠક પર 168 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે એ નિશ્ચિત બની ચૂક્યું છે. જિલ્લા ચૂંટણી તંત્રએ ગુરુવારે ઉમેદવારીનું ચિત્ર સ્પષ્ટ થતાં બેલેટ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
તા.17મી નવેમ્બર ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ મુદત બપોરે ત્રણ વાગ્યા સુધીની હતી. એ પૂર્વે 89 ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવાયા બાદ ઉદભવેલી સ્થિતિ વિધાનસભા વાઇઝ ઉમેદવારોની સંખ્યા જોઇએ તો ઓલપાડમાં 15, માંગરોળમાં 5, માંડવીમાં 7, કામરેજમાં 8, સુરત પૂર્વમાં 14, સુરત ઉત્તરમાં 9, વરાછા રોડ પર 5, કરંજમાં 8, લિંબાયતમાં સૌથી વધુ 44 ઉમેદવાર, ઉધના બેઠક પર 10, મજૂરા બેઠક પર 4, કતારગામ બેઠક પર 8, સુરત પશ્ચિમમાં 10, ચોર્યાસી બેઠક પર 13, બારડોલી બેઠક પર 5 અને મહુવા બેઠક પર 3 ઉમેદવારો વચ્ચે આગામી તા.1લી ડિસેમ્બરના રોજ ચૂંટણી જંગ ખેલાશે.
સુરત શહેર-જિલ્લાની 16 બેઠક પૈકી એકમાત્ર સુરત પૂર્વની બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપાંખિયો જંગ ખેલાશે, સુરત પૂર્વ બેઠક પર પહેલા આપના સત્તાવાર ઉમેદવાર કંચન જરીવાલાએ અને ગુરુવારે આપના ડમી ઉમેદવારે પણ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતાં સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપની સ્પર્ધા ચૂંટણી પહેલાં જ નાબૂદ થઇ ગઇ છે.