Comments

ઝઘડો શેનો છે? દુકાન બંધ કરવાનો કે દુકાન પર બેસવાનો?

ગુજરાતમાં ચુંટણી પ્રચાર અને ચુંટણી ચર્ચા ચરમસીમા પર છે. સત્તાધારી પાર્ટીને સત્તા ટકાવવામાં અને વિપક્ષી પાર્ટીને સત્તા મેળવવામાં રસ હોય તે સ્વાભાવિક છે. વર્તમાન ભાજપ સરકાર કહે છે કે અમે વિકાસ કર્યો છે અને કરતા રહીશું જયારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ કહે છે કે ભાજપે તમામ જાહેર સેવાઓનું ખાનગીકરણ કર્યું છે. ન સરકારી શાળા કોલેજો ન સરકારી દવાખાના ન સરકારી સંદેશા વ્યવહાર – વાહન વ્યવહાર કશું જ આ શાસન વર્ષોમાં વિકસ્યુ નથી. ખાનગી શાળા કોલેજ, ખાનગી દવાખાના, ખાનગી વાહન વ્યવહાર આ બધું જ વિકસે તે માટે વર્તમાન ભાજપ સરકારે સરકારી, રાહતદરની શ્રેષ્ઠ સુવિધાઓ વિકસવા જ દીધી નથી! એટલે વિકાસ રાજયનો કે સામાન્ય પ્રજાનો નથી થયો વિકાસ ખાનગી ધંધા – વ્યાપાર કરનારાનો થયો છે. ધનવાનોનો થયો છે.

ગુજરાતમાં ભાજપનો ઉદય અને દેશમાં ખાનગીકરણ – ઉદારીકરણની શરૂઆત એક સાથે 1991 પછી થઇ છે. અને ખાનગીકરણે 1997 પછી વેગ પકડયો ત્યારથી ગુજરાતમાં ભાજપ છે. એટલે સામાન્ય પ્રજા બદલાતા જાહેર જીવનના ભાગ નથી પાડી શકતી એ આમા ભાજપને કારણે શું બદલાયું! અને ખાનગીકરણને કારણે શું બદલાયું! એટલે જ તે ખાનગીકરણના લાભને ભાજપના લાભ માની લે છે અને ખાનગીકરણની મર્યાદાઓને ભાજપની! ખેર, એ વાત પછી વિસ્તૃત રીતે કરીશું! પણ 2001 પછી ભાજપના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બને છે. જે સક્રિય કક્ષાએ નેતૃત્વ કરવા માટે ગુજરાતનો મોડલ રાજય તરીકે ઉપયોગ કરે છે.

એક તરફ ગરીબ મેળા, કન્યા કેળવણી રથ, જયોતિગ્રામ યોજના દ્વારા 24 કલાક વિજળી જેવી પ્રજાલક્ષી બાબતો હાથમાં લે છે. બીજી બાજુ ઉદ્યોગપતિઓને જમીન ફાળવણી, શિક્ષણ, આરોગ્યમાં ખાનગીકરણની ઝડપ વધારીને સૌને મૂડીરોકાણ દ્વારા કમાવાની તક આપે છે. શરૂઆતમાં ભાજપના જ લોકો આ વિદેશીમૂડી રોકાણ, શિક્ષણ આરોગ્ય સંસ્થાઓ ખાનગી જેવી બાબતોનો વિરોધ કરે છે. પણ પછી ધીમે ધીમે આ જ લોકો પોતાની સેલ્ફ ફાયનાન્સ કોલેજો, મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરી કરોડોનો ધંધો કરવા માંડે છે!

ધીમે ધીમે ખાનગી સંસ્થાઓ અને રોજગારીના ક્ષેત્રમાં કોન્ટ્રાકટ સિસ્ટમનો સડો વધે છે. સરકારના મળતીયા આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરોડોની કમાણી કરે છે. અનેક વિપક્ષના નેતાઓને જ્ઞાન થાય છે કે આ ખાનગીકરણની વહેતી ગંગામાં માત્ર હાથ ધોવામાં જ નહીં પીવામાં અને ન્હાવામાં પણ ફાયદો છે. મૂળ કોંગ્રેસના સમાજવાદ અને સસ્તાદરના સરકારી તંત્રથી હવે તેમને પણ સૂગ ચડવા લાગી. અને પરિણામે રાજકીય અલગ વિચારધારાના લોકો પણ આર્થિક હિતોમાં એક થવા લાગ્યા.
ચૂંટણી 1991 પહેલા પણ થતી હતી અને ચૂંટણી 2022 માં પણ થાય છે. પણ બન્નેમાં ફેર છે.

1991 પહેલા સત્તા મેળવ્યા પછી સરકારે કામ કરવાનું હતું. 2022 માં સત્તા મેળવ્યા પછી સરકારે ધંધો કરવાનો છે! પહેલા સરકારોને આયોજન કરવાનું હતું અને કોઇપણ સરકારી તંત્ર દ્વારા કરવાના હતા. હવે સગા-વહાલા દ્વારા પાછલા બારણે પોતે જ લેવાના છે! આજના સમયમાં જવાબદાર મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ શું કરે છે? પહેલા સરકારનો પગાર મેળવીને ને અધિકારો તરીકે કામ ફાળવે છે અને પછી તે જ કામ કોન્ટ્રાકટર તરીકે મેળવીને સરકારના પૈસા મેળવે છે. એમને બે બાજુથી આવક થાય છે.

કામ ફાળવનાર તરીકે પણ રૂપિયા લેવાના કામ કરનાર તરીકે પણ રૂપિયા લેવાના એટલે આ ચૂંટણીઓ વિચારધારાની નથી. આ ચૂંટણીઓ જાહેર સેવાઓના ધંધા કરવા માટેની છે! શિક્ષણની આરોગ્યની, જાહેર સેવાઓની જે દુકાનો ખુલી છે. એ દુકાનના ગલ્લા પર બેસવાનો આ ઝઘડો છે. દુકાન બંધ કરવાનો ઝઘડો નથી! અત્યારે ગુજરાતના રાજકારણમાં ત્રીજી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી! ઘણા તેને સત્તાધારી ભાજપની બી ટીમ ગણે છે. કોઇને એવી શંકા છે કે તે ભાજપનું ગણિત પણ બગાડી શકે છે પણ આર્થિક – સામાજીક વલણો પર નજર રાખનારા વર્ષોથી ફરીયાદ કરે છે કે જમીન ઉપર ભાજપ કોંગ્રેસના લોકો આર્થિક બાબતોમાં જ મળેલા છે.

અને આ શંકા જવાનું કારણ એ છે. ગુજરાતના અનેક ગામ – નગરમાં ભાજપના સમર્થકોની શાળા કોલેજો છે તો કોંગ્રેસના સમર્થકો -મોટા માથાઓની પણ શાળા કોલેજો છે. જયારે શાળાઓમાં ફી ના નામે થતી ઉઘાડી લૂંટનું ગુજરાતમાં આંદોલન ચાલ્યુ ત્યારે કોંગ્રેસ રાજકીય લાભ લેવા પૂરતી પણ પોતાના સમર્થકોની શાળા કોલેજોમાં ફી ઘટાડી શકી હોત! કોરોના કાળમાં પોતાના કાબુવાળી હોસ્પિટલોમાં લોકોને ઉત્તમ સારવાર આપી શકી હોત!
જો ઝઘડો વિચારધારાનો જ હોય તો પોતાને ત્યાં શાળા – કોલેજ – હોસ્પિટલ કારખાના કે ધંધા – વ્યવસાયમાં કામ કરનારા લોકોને શ્રમિકોને યોગ્ય, નિયમ મુજબનું વેતન ચૂકવો! ગ્રાહકોને રૂપિયા લીધા પછી યોગ્ય, ગુણવત્તાસભર સેવા પુરી પાડો! શાળા સંચાલકો ભાજપના હોય કે કોંગ્રેસના શિક્ષકોનું પગારમાં તો શોષણ જ કરે છે! હોસ્પિટલોના માલિક જે હોય તે દર્દીઓને તો ચીરે જ છે!
તો આ ચૂંટણી ગુજરાતની ધોમધખતી આવકો કમાવા માટેની છે. ઊંચી ખરીદશકિત વાળા રાજયોમાં ગુજરાત છે. ગુજરાતની વેપારપ્રેમી પ્રજાને રૂપિયા આપીને પણ ધંધો કરવો છે. ખાનગીકરણ કોઢે પડી ગયું છે અને પોતાના જ રૂપિયે મનોરંજન મેળવી સરકારને શાબાશી આપતી આ પ્રજા બીજે કયાં મળવાની! આજે સરકારો જમીનો ફાળવવા એકસપ્રેસ હાઇવેના કોન્ટ્રાકટ આપવા ખાનગી શિક્ષણ સંસ્થાની મંજૂરી આપવા કે ફાઇવ જી ના લાયસન્સ આપવા માટે છે! એક સહીથી અબજોના વેપાર થાય છે. જેના રાજીખુશીથી આપવામાં આવતા કમીશનો કરોડોમાં હોય છે! અને આ ગલ્લે બેસવા માટેની હુસતુસી એટલે આજનું રાજકારણ! આમા ઉશ્કેરાવું નહીં! તમે જેને રૂપિયા ચુકવવા માંગતા હો તેને વોટ આપજો… લાગણીમાં તણાશો નહીં! આ દુકાન બંધ કરવાનો ઝઘડો નથી જે ગાંધીએ કર્યો હતો અંગ્રેજો સામે. ભગતસિંહે ફાંસી લીધી હતી. જેને માટે આ દુકાન ઉપરત બેસવાનો ઝઘડો છે જે અંગ્રેજોને આ દેશના રાજાઓ સાથે થયો હતો! સમજો અને શાંતિથી મતદાન કરો!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top