સુરત: (Surat) ભરૂચમાં રહેતી મહિલાની અડાજણ ખાતે વડિલોપાર્જિત મિલક્ત (Ancestral Property) આવેલી છે. આ મિલકતનું વારસાઈ (Heirship) કરવા માટે સીધી લીટીના 13 વારસદારોના ડોક્યુમેન્ટ તેમના દૂરના સંબંધીને (Relative) આપ્યા હતા. તેની દાનત બગડતા તેને બોગસ સહીઓના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડતા રાંદેર પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રસીદાબેન ગુલામ મોહમ્મદ ઈબ્રાહીમ શેખની દિકરી તથા મુસ્તાફ ગફુર પટેલની પત્ની (ઉ.વ.44, રહે. ઘર નંબર-73 મસ્જીદ ફળીયુ પીપરોદ, અંકલેશ્વર, ભરૂચ) આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. રસીદાબેને મોસીમ ગુલામ કાદર શેખ (ઉ.વ.37, રહે. વલસાડી ઝાંપા સ્વઘ્યય મંડળ રોડ કિલ્લા પારડી, વલસાડા)ની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રસીદાબેનની અડાજણ ગિરીનગર સોસાયટીની બાજુમાં અડાજણ ગામ બ્લોક- સર્વે નંબર 234 વાળી વડિલોપાર્જિત જમીન આવેલી છે.
વડીલોપાર્જિત જમીન હોવાથી 7/12માં પણ તેમનું નામ સીધી લીટીમાં ચાલી રહ્યું છે. આ જમીન પર વારસાઈ કરવાનું હોવાથી તમામના ડોક્યુમેન્ટ તેમની ફોઈ સીરીનબાનુના ઘરે આપ્યા હતા અને ફોઈએ તેમના કાકા ગુલામ શેખના દિકરી મરીયમબીબીને આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ મરીયમબીબીએ તેના મોટાભાઈ મોહમદ હનીફના સાળા મોસીમ ગુલામ કાદર શેખને આપ્યા હતા. તેમની જમીન પર મોસીમની દાનત બગડતા ગત એપ્રિલ મહિનામાં ફોઈ-ફુવા સહિત તેર જેટલા લોકોના ઓળખપત્ર અને ફોટા લગાવી બોગસ સહીઓ કરી બોગસ પાવર ઓફ ઍર્ટની બનાવી હતી. બોગસ પાવર ઓફ એટર્ની સાથે જમીન પચાવી પાડી હતી. 30 એપ્રિલ 2021 ના રોજ ન્યુઝ પેપરમાં મિલ્કત વેચાણની નોટિસ વાંચીને રસીદાબેન ચોંકી ગયા હતા અને મોસીમે કરેલા કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો.
આ લોકોના નામે બોગસ સહીઓ કરી
(૧) ફરીદાબીબી તે ઈબ્રાહીમ ઈસ્માઈલની છોકરી, (૨)સીરીનબાનુ તે ઈબ્રાહીમ ઈસ્માઈલની છોકરી, (૩)યાસ્મીનબાનુ ગુલામ મોહમંદ શેખ, (૪) જીન્ન્ત ગુલામ મોહમંદ શેખ, (૫) સાહેબબીબી ગુલામ મોહમદ શેખ, (૬)રસીદા ગુલામ મોહમંદ શેખ, (૭) અફસાના ગુલામ મોહમંદ શેખ, (૮) મુમતાઝ ગુલામ મોહમદ શેખ, (૯) મોહમંદ સઈદ ગુલામ મોહમદ શેખ, (૧૦) સાબેરાબીબી ગુલામ મોહીયુદ્દીન (૧૧) મોહમંદ હનીફ ગુલામ મોહીયુદ્દીન શેખ, (૧૨) ગુલામઅલી ગુલામ મોહીયુદ્દીન શેખ તથા (૧૩) મરીયમબીબી મોહીયુદ્દીન શેખના નામના ઓળખપત્રો અને ફોટાઓ લગાવીને બોગસ સહીઓ કરી હતી.