સુરતઃ (Surat) શહેરના અલથાણ બમરોલી રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ઉપર ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસે (Police) પેટ્રોલીંગ દરમિયાન દારૂની (Alcohol) મહેફિલ માની રહેલી ત્રણ મહિલા સહિત 10 જણાને ઝડપી પાડી કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પાર્ટીપ્લોટના માલીકે તેના સાળાની પત્નીના શ્રીમંત હોવાથી પાર્ટીનું (Party) આયોજન કર્યું હતું. પોલીસે જ્યારે પાર્ટી પ્લોટમાં રેડ પાડી તે સમયે ત્રણ મહિલા સહિત દસ જણા ટેબલ ખુરશી ગોઠવી લક્ઝુરીયસ સ્ટાઈલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટ આવેલો છે. ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દારૂની મહેફિલ માણતા 10 જણાને પકડી પાડ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે શૈલેષ રમણ પટેલ (ઉ.વ.40, રહે, સુર્યા સોસાયટી લક્ષ્મીપુરા ઓડ ગોરવા વડોદરા), પ્રતિક અરવિંદ પટેલ (ઉ.વ.39. રહે, નીલકંઠ ઍપાર્ટમેન્ટ આમ્રકુંજ સોસાયટી ઘોડદોડ રોડ), વિરલ અર્જુન પટેલ (ઉ.વ.31. રહે, પટેલ ફળિયું કામનાથ મંદિર પાછળ અલથાણ), જય જવેર પટેલ (ઉ.વ. 36.ધંધો, વેપાર, રહે, મગદલ્લા ગામ), નીલ ધનસુખ પટેલ (ઉ.વ.33. ધંધો અભ્યાસ. શુભમ રો હાઉસ પ્રગતિનગર સોસાયટી પીપલોદ), પુકાર દોલત પટેલ (ઉ.વ.32. રહે, અલથાણ કામનાથ મહાદેવમંદીરની પાસે), પીંકેશ અરવિંદ પટેલ (ઉ.વ.34. અલથાણ ગામ) અને ત્રણ મહિલા સહિત 10ને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા.
પોલીસે પકડાયેલા તમામ પાસેથી 9 મોબાઇલ ફોન કિંમત 3.40 લાખ રૂપિયા, રોકડા 28 હજાર રૂપિયા, બિયરના ત્રણ ખાલી અને ત્રણ ભરેલા ટીન, સ્કોચ વ્હીસ્કીની બે બોટલ મળી કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે દારૂની મહેફિલ મુદ્દે કેશવ પાર્ટી પ્લોટના માલિક પુકાર પટેલની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટી માટે સ્કોચ વ્હીસ્કી અને બિયરના ટીન ઉધના રેલવે પટરી પાસેથી અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યાની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.