SURAT

પિતાથી છુપાવીને પજેરો કાર લઈને નીકળેલા સુરતના 15 વર્ષના કિશોરે બાઈક ચાલકને કચડી માર્યો

સુરત : (Surat) બે દિવસ પહેલા ડિંડોલી ત્રણ રસ્તા પાસે પજેરો કારની (car ) અડફેટે (Accident) આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પજેરો ગાડી હંકારતા એક સગીરની અટકાયત (Arrest) કરીને મોડી સાંજે બાળહોમમાં (Juvenile Home) મોકલી આપ્યો હતો. આ સગીર પિતાની જાણ બહાર જ ગાડી લઇને જતો રહ્યો હતો અને ત્યાં જ બદનસીબે અકસ્માત થયો હતો, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ વાઇરલ (Viral) થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીના કૃષ્ણ હેરીટેજમાં રહેતા 30 વર્ષીય રાકેશ શ્રવણકુમાર રાવલ કુરીયર કંપનીમાં કામ કરતો હતો. બે દિવસ પહેલા વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં રાકેશ ઘરની નજીક બાઇક ઉપર દૂધ લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અંબિકા ટાઉનશીપ પાસે એક પજેરો કારના ચાલકે બેફામ રીતે ગાડી હંકારીને અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં રાકેશને ગંભીર ઇજા થતા તેને લોહીલુહાણ હાલમતાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. બે દિવસની તપાસના અંતે આજે ડિંડોલી વિસ્તારમાં જ રહેતા 15 વર્ષીય હિતેષ (નામ બદલ્યુ છે) ડિંડોલી પોલીસમાં હાજર થયો હતો. પોલીસે હિતેશની અટકાયત કરીને મોડી સાંજે બાળ હોમમાં મોકલી આપ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે હિતેશ વેપારી ઘરનો પુત્ર છે, અને તે વહેલી સવારે દોડવા જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેણે ઘરના કોઇપણ સભ્યની જાણ બહાર જ પજેરો ગાડીની ચાવી લઇ લીધી હતી અને હંકારી ચાલવા લાગ્યો હતો. ગાડી લઇને તે અંબિકા ટાઉનશીપ ત્રણ રસ્તા પાસે પહોંચ્યો ત્યાં બાઇક સાથે અકસ્માત થયો હતો. હિતેશ સગીરવયનો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી અને બાળહોમમાં મોકલી આપ્યો હતો.

હિતેશની સામે સપરાધ મનુષ્યવધની કલમ ઉમેરવા પરિવારજનોની માંગણી
મૃતક રાકેશના પરિવારજનો પૈકી એડવોકેટ કમલેશ રાવલે માહિતી આપતા કહ્યું હતું કે, હિતેશ સગીર વયનો હતો, તેની પાસે લાયસન્સ ન હતું, આ ઉપરાંત ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ન હતો. હિતેશને ગાડી યોગ્ય રીતે આવડતી ન હોવા છતાં પણ તે ગાડી લઇને બહાર નીકળ્યો હતો, જેનાથી બીજાનું જીવન જોખમાય તેવી શક્યતા હતી. તેમ છતાં તેણે ગાડી હંકારી હતી અને અકસ્માત થયો હતો. ત્યારે હિતેશની સામે સપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો થાય તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત હિતેશના માતા-પિતા સામે પણ બેદરકારીનો ગુનો નોંધાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top