સુરત: (Surat) જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના (Airport) પુનઃ વિકાસ માટે રૂ.353 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ (Terminal Building) વિસ્તરણ, પેરેલલ ટેક્સી ટ્રેક અને વિમાન પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પૈકી રૂ.138.48 કરોડના નવા ટર્મિનલ બિલ્ડિંગના હયાત ટર્મિનલ બિલ્ડિંગની બંને તરફ વિસ્તરણ માટે નવું ટર્મિનલ બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત એરપોર્ટનાં નવાં ટર્મિનલ બિલ્ડિંગ, ત્રણ એરો બ્રિજ,પરેલલ ટેક્સી વેનો એક ભાગ-વિમાન પાર્કિંગ એરિયાનું ઉદઘાટન કરી શકે છે. સુરત એરપોર્ટના વર્તમાન ટર્મિનલ બિલ્ડિંગ 8474 ચોમીથી વિસ્તરણ થઈ 25520 ચોમીનું થશે. 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સની સાથે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સહિતનાં જે કામો પૂર્ણ થયાં છે એનું લોકાર્પણ કરી શકે છે.
સુરત એરપોર્ટના ટર્મિનલ વિસ્તરણથી હાલની 17.5 લાખની પેસેન્જર ક્ષમતા વધીને 26 લાખ થઇ જશે. એપ્રનનું કામ પણ રૂ.72 કરોડના ખર્ચ સાથે ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળે ફ્લાઈટ સંખ્યા વધે એવા હેતુથી એરોબ્રિજની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. એરપોર્ટ પર નવા 5 એરોબ્રિજ પૈકી 4 એરોબ્રિજ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ પર વાહન પાર્કિંગની નવી સુવિધાઓ ઊભી કરી છે, જેમાં 264 ફોર વ્હીલર, 120 ટેક્સી, 5 બસ, 60 ટુ વ્હીલર, 88 સ્ટાફ વ્હીલર, 115 સ્ટાફ ટુ વ્હીલર અને 12 વીઆઇપી ફોર વ્હીલર પાર્ક કરી શકાય એવી સુવિધા ઊભી કરી છે. એટલે કે, 482 ફોર વ્હીલર અને 175 ટુ વ્હીલરની સુવિધાવાળું એરપોર્ટનું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટનો સમગ્ર પાર્કિંગ એરિયા 15,100 ચોરસ મીટરનો છે. એરપોર્ટના નવા પાર્કિંગમા રિક્ષાઓને વિશેષ ઓળખ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
સુરતના એરપોર્ટ ડાયરેક્ટર રૂપેશકુમાર લોહાણીએ નવા ટર્મિનલ બિલ્ડિંગની ખાસિયત અંગે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે ડિપાર્ચર અને અરાઈવલ સુવિધા અલાયદી હશે. ઇન્ટરનેશનલ પેસેન્જર માટે ટર્મિનલ બિલ્ડિંગના પ્રથમ માળે ડિપાર્ચર અને અરાઈવલ સુવિધા હશે. અમે એ રીતે આ ટર્મિનલનું નિર્માણ કરાવ્યું છે. આગળ જતાં અત્યારે ટર્મિનલ બિલ્ડિંગની બે તરફનો જે ભાગ છે એની દીવાલો હટાવી એક વિશાળ ટર્મિનલમાં રૂપાંતરિત કરી દેવાશે. નવા એરોબ્રિજ કમિશન્ડ થઈ ગયા છે. ઉપરાંત જો સરકાર ઈચ્છે તો પેરેલલ ટેક્સી વેની એક સાઈડ તૈયાર છે. જેનું પણ લોકાર્પણ કરી શકે છે. નવા બનેલા ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણથી સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગની એન્ટ્રી અને એક્ઝિટની અલાયદી વ્યવસ્થા ઊભી થશે.
અપગ્રેડ ટર્મિનલ બિલ્ડિંગમાં આ ફાઈવ સ્ટાર સુવિધા હશે
અપગેડ ટર્મિનલ બિલ્ડિંગમાં રિઝર્વ લાઉન્જ, બેન્ક એટીએમ, સેન્ટલ ડિસ્પ્લે સ્ક્રીન, વેઇટિંગ એરિયા, 20 ચેક-ઇન કાઉન્ટર,13 ઇમિગ્રેશન કાઉન્ટર અને 5 બેગેજ કેરોસેલ્સની આધુનિક સુવિધા એમાં હશે. સુરત એરપોર્ટનું હયાત ટર્મિનલ બિલ્ડિંગ અપગ્રેડ થયા પછી એ ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબીટેટ એસેસમેન્ટ (GRIHA) 4-સ્ટાર સુસંગત હશે. પિક અવર્સ દરમિયાન 1800 મુસાફરને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. ટર્મિનલ બિલ્ડિંગ ટૂંક સમયમાં મુસાફરો માટે સરળ, આરામદાયક અને મુશ્કેલીમુક્ત મુસાફરીમાં મદદરૂપ બનશે.