સુરત: (Surat) ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો-એર (Go-Air) દ્વારા ગયા વર્ષે સુરતથી 5 શહેરોને સાંકળતી ફ્લાઇટ (Flight) શરૂ કરવાની જાહેરાત કર્યા પછી કોરોનાની બીજી લહેરને લીધે આ ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી હતી. ફરી ગો-એર દ્વારા સુરત એરપોર્ટથી (Airport) ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન પાસે સ્લોટ મંજૂર કરાવવામાં આવ્યા છે. પરંતુ એક પણ ફ્લાઇટ માટે હજી બુકિંગ શરૂ કરવામાં આવ્યું નથી. એરલાઇન્સ દ્વારા સુરતથી દિલ્હીની 2, સુરતથી બેંગ્લોરની 2 અને સુરતથી હૈદરાબાદની 1 ફ્લાઇટનો સ્લોટ મંજૂર કરાવવામાં આવ્યો છે.
ગો-એર દ્વારા 31 ઓક્ટોબર 2021થી 26 માર્ચ 2022 સુધી વિન્ટર શિડયુલનો સ્લોટ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આ ફ્લાઇટ કયારે શરૂ થશે તે હજી નક્કી નથી. પાંચે ફ્લાઇટ માટે ડેઇલી સેવા શરૂ કરવા મંજૂરી મેળવવામાં આવી છે. એક તરફ સ્પાઇસ જેટ દ્વારા એક સાથે 7 ફ્લાઇટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઇ, ઉદયપુર, ભાવનગર, જબલપુર, પટણાનો સમાવેશ થાય છે. તે પૈકી હૈદરાબાદ અને બેંગ્લોરનો રૂટ ગો-એરે મંજૂર કરાવી લીધો છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટમાં પ્રથમ દિવસે 77 યાત્રી આવ્યા અને 96 સુરતથી ગયા
ખૂબ ટૂંકી નોટિસ સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસે સપ્તાહમાં બે દિવસ શારજાહ-સુરતની (Sharjah-Surat) ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી શરૂ કરી છે. આજે પ્રથમ દિવસે 189 સીટર વિમાનમાં 77 પેસેન્જર શારજાહથી સુરત આવ્યા હતાં. અને 96 પેસેન્જર સુરતથી શારજાહ જવા રવાના થયાં છે. જયારે બુધવારની ફ્લાઇટ માટે સુરતથી 120 ટિકિટોનું બુકિંગ શારજાહ જવા માટે થઇ ગયું છે.