SURAT

સુરતના એરપોર્ટ પર આવી ઈટાલીની ફ્લાઈટ

સુરત: ઈટાલીના બોલોન્ગા-મિલાનથી નીકળેલી 14 સીટર ઇન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઈટ વાયા અમદાવાદ, વડોદરા થઈ બુધવારે સુરત આવી પહોંચી હતી. સુરત એરપોર્ટ પર ત્રણેક કલાક રોકાઈ આ ફ્લાઈટ સુરતથી રવાના થઈ હતી. ઇન્ટરનેશનલ ફ્લાઈટ સુરતથી બોલોન્ગા રિટર્ન થઈ ત્યારે સુરત એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સ કરાયું હતું.

શકયતા એવી છે કે સુરતના હજીરાથી વિદેશી એન્જિનિયરોને લઈ આ ફ્લાઈટ ઈટાલીના બોલોન્ગા, મિલાન રિટર્ન થઈ હતી. મુંબઈથી ઢાકા અને ત્યાંથી દુબઈ થઈ ફરી આ ફ્લાઈટ 12 ઓક્ટોબરે મુંબઇ આવી હતી. અહીંથી કૈરો, બેરુત થઈ ફરી દુબઇ થઈ 18 ઓક્ટોબરે અમદાવાદ આવી હતી અને એ જ દિવસે અમદાવાદથી વડોદરા એરપોર્ટ પર આવી હતી. વડોદરામાં એક દિવસ રોકાઈ આ ફ્લાઈટ બુધવારે સુરત એરપોર્ટ પર આવી હતી અને અહીંથી ઈટાલીના મિલાન થઈ બોલોન્ગા જવા રવાના થઈ હતી. ગલ્ફ સ્ટ્રીમ G 550 એરક્રાફ્ટ અગાઉ પણ સુરતમાં આવી ચૂક્યું છે. અગાઉ પેરિસ પણ ચાર્ટર ફ્લાઈટ જઈ ચુકી છે.

તમને જણાવી દઈએકે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપી દેવાયો છે. અહીં કસ્ટમ ક્લીયરન્સ પણ કરવામાં આવે છે પરંતુ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી અહીં સમ ખાવા પૂરતી એક જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શાહજાહ-સુરત વચ્ચે ઉડાન ભરી રહી છે. તે સિવાય અન્ય કોઈ દેશ સાથે સુરતની કનેક્ટિવીટી શરૂ થઈ નથી. હા ક્યારેક ક્યારેક ઈન્ડિયન એરફોર્સના મોટા વિમાનો અહીં લેન્ડ થાય છે, પરંતુ નિયમિત પણે ઈન્ટરનેશનલ ફ્લાઈટની અવરજવર હજુ સુધી શક્ય બની નથી. તેનું એક કારણ સુરત એરપોર્ટ પરના રન-વેનો વિવાદ પણ જવાબદાર છે.

Most Popular

To Top